અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં પચ્ચીસેક દિવસના લાંબા અંતરાલ બાદ મંગળવારે ૨૫ જિલ્લાનાં ૯૧ તાલુકાઓમાં દિવસ દરમિયાન સવારના ૭-૦૦થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધીમાં છૂટોછવાયો વરસાદ થતાં આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વ્યાપક વરસાદની આશાનો સંચાર થયો છે. ફ્લડ કંટ્રોલ, ગાંધીનગરની કચેરીમાંથી મળેલા સત્તાવાર આંકડા મુજબ ખાસ કરીને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ પૂર્વ ગુજરાતના વિવિધ તાલુકામાં મહત્તમ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં છુટાછવાયા વરસાદ સાથે વર્ષાઋતુના બીજા તબક્કાનો જાણે કે આશાભેર પ્રારંભ થયો છે.
દિવસ દરમિયાન રાજ્યમાં પડેલા વરસાદની વિગતો જોઈએ તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં ૫૦ મિ.મી., રાજકોટના જામકંડોરણા તાલુકામાં ૪૦ મિ.મી., વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૪૨ મિ.મી., ઉચ્છલ તાલુકામાં ૪૪ મિ.મી., ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ૩૦ મિ.મી., તાપી તાલુકાના વાલોડમાં ૪૪ મિ.મી. જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
ધરમપુરમાં સાડા છ ઇંચ વરસાદ
સોમવારે ખાસ કરીને વલસાડ પંથકના ધરમપુર અને કપરાડા સહિત અન્ય તાલુકામાં પણ મેઘરાજા મનભેર વરસતાં ઠેર ઠેર પાણીનાં જળબંબાકાર થઈ ગયાં હતાં. ધરમપુરમાં સાડા છ ઇંચ વરસાદથી જનજીવનને અસર પહોંચી હતી. સુરત જિલ્લાના સોનગઢ તાલુકામાં ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો.
નવસારી અને ડાંગ બન્ને જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. લગભગ ૨૪થી ૨૫ દિવસ બાદ સારો વરસાદ પડતા ખેતીના પાકને જીવતદાન મળ્યું હતું. સોમવારે સાંજ સુધીમાં આહવામાં ૫૩ મી.મી., વઘઈમાં ૫૨ મી.મી., સુબીરમાં ૧૯ મી.મી. અને સાપુતારામાં ૧૨૮ મી.મી. વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં અષાઢી બીજે વરસાદના છાંટા નહીં પડતાં ખેડૂતો સહિત સામાન્ય માનવીના ચહેરા પર ચિંતાની લકીર પ્રસરી ગઈ હતી, ત્યારે અનેક વિસ્તારોમાં ફરીથી મેઘરાજાના પગરવ સંભળાતા સૌના જીવમાં જીવ આવ્યો છે. જોકે, મોરબી, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા ઝાપટાં વરસ્યા હતા.