અમદાવાદઃ ભગવાન જગન્નાથની પરંપરાગત ૧૪૧ રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને કોમી એક્તાના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહરાજ્ય પ્રધાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અમદાવાદમાં સાતમીએ બેઠક યોજી હતી. ૨૫ હજારથી વધારે પોલીસ જવાનો ૨૦૧૭ પોલીસ અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોની ટુકડી દ્વારા રથયાત્રાના અભેધ્ય કિલ્લેબંધી સમી સુરક્ષા પૂરી પાડવામાં આવશે. પોલીસ દ્વારા સીસીટીવી, ડ્રોન દ્વારા પણ રથયાત્રા પર નજર રાખવામાં આવશે.
રથયાત્રામાં સુરક્ષા માટે ૨૬ પેરામિલીટરી ફોર્સ અને ૧ એનએસજી કમાંડોની ટુકડી પણ તેનાત રહેશે. ચાલુ વર્ષે ઇન્ડો તિબેટ પોલીસ ફોર્સ પણ બંદોબસ્ત માટે જોડાશે. ૩૬ નાયબ પોલીસ કમિશ્નર, ૭૬ મદદનીશ પોલીસ કમિશ્નર, ૨૦૯ પોલીસ ઇન્સ્પેક્ટર, ૫૭૦૦ હોમગાર્ડ જવાન મળી કુલ ૨૫૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે. ઉલ્લેખનીય છે કે પહેલીવાર રણછોડજી મંદિર પર મુસ્લિમ કારીગરો દ્વારા વાંસથી શિખર તેમજ રોડ પર ગેટ તૈયાર છે.
મુસ્લિમ કારીગરો દ્વારા શિખર નિર્માણ
ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ૧૪મીએ નગરયાત્રાએ નિકળી બપોરે સરસપુર સ્થિત મોસાળ પહોંચશે. ત્યારે ભગવાનને આવકારવા માટે સરસપુર વિસ્તાર નવોઢા જેમ સજી રહ્યું છે. સરસપુર ચાર રસ્તાથી રણછોડ મંદિર સુધી રોડ પર રંગબેરંગી લાઇટિંગની સાથે આ વર્ષે પહેલીવાર રણછોડ મંદિર પર બંગાળના મુસ્લિમ કારીગરો દ્વારા વાંસમાંથી ૧૬ ફૂટ ઊંચુ શિખર તૈયાર કરવામાં આવ્યું છે. તેવીજ રીતે મંદિર તરફના રોડ પર વાંસમાંથી બંગાળી સંસ્કૃતિની ઝલક સાથે વાંસમાંથી આકર્ષક ગેટ તૈયાર કરાયો છે.
રણછોડ મંદિરના મુખ્ય ટ્રસ્ટીએ આ માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષે પહેલીવાર વાંસના ૧૬ ફૂટ ઉંચા શિખર તૈયાર કરવાની સાથે ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. ગેટથી મંદિર સુધી રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે. હાલ ભગવાન મોસાળમાં વિરાજમાન છે. ત્યારે દરરોજ સવાર સાંજ તેમને અલગ અલગ ભોગ ધરાવવામાં આવી રહ્યાં છે. એજ રીતે દરરોજ વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગનું આયોજન થઈ રહ્યું છે.


