અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે કે, ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટેની પેટા ચૂંટણી ૨૬મી માર્ચે યોજાશે. રાજ્યસભાના ભાજપના ૩ અને કોંગ્રેસના ૧ સભ્યની ટર્મ પૂરી થઈ રહી છે. જેથી ફરી એકવાર ગુજરાતમાં રાજકીય માહોલમાં ગરમાવો આવશે. અંદાજ છે કે પેટાચૂંટણીમાં ભાજપને ૩ બેઠકોમાંથી ૧ ગુમાવવી પડશે જ્યારે કોંગ્રેસને ૧ બેઠકનો ફાયદો થશે. જો ભાજપે ૧ બેઠક ગુમાવવી ન હોય તો તોડજોડનું રાજકારણ ખેલવું પડશે.
અગાઉ જ્યારે એહમદ પટેલે રાજ્યસભાની ચૂંટણીમાં ઝુકાવ્યું ત્યારે અમિત શાહે એહમદ પટેલને હરાવવા કોંગ્રેસના કેટલાય ધારાસભ્યોને કેસરિયો ખેસ પહેરાવી દીધો અને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. આમ છતાંય એહમદ પટેલને ભાજપ હરાવી શક્યું નહોતું. હવે આ ચાર બેઠકોની પેટાચૂંટણી માટે કઈ રાજરમત રચાય છે એ જોવું રહ્યું. ભાજપના શંભુજી ટુડિયા, લાલસિંહ વડોદરિયા, ચુનીલાલ ગોહિલ અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ચારેય બેઠકો ખાલી રહી છે.
વિધાનસભાના ધારાસભ્યોની ગણતરી આધારે રાજ્યસભાની ૧ બેઠક માટે ૩૭ મતોની જરૂર પડે. ભાજપ પાસે હાલમાં ૧૦૩ ધારાસભ્ય છે. જો ભાજપને ૩ બેઠક જાળવી રાખવી હોય તો ૧૧૧ મતોની જરૂર પડે. આ જોતાં ભાજપને આઠ મતોની ઘટ પડે. પરિણામે ભાજપ તોડજોડની રાજનીતિ રમી શકે છે. આ તરફ, કોંગ્રેસ પાસે હાલમાં ધારાસભ્યોનું સંખ્યાબળ ૭૨ છે. જ્યારે બે બેઠકો માટે ૭૪ મતોની
જરૂર છે, પણ અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને બીટીપીના બે ધારાસભ્યો કોંગ્રેસના
પડખે રહે તો ઝાંઝો વાંધો આવે તેમ નથી.

