અમદાવાદ: ભગવાન જનગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને મોસાળમાં મામેરું ચઢાવવા માટે છેલ્લા ૪૦ વર્ષથી બુકિંગ પ્રથા ચાલી રહી હતી. તાજેતરમાં જ સરસપુર સ્થિત રણછોડજી મંદિરનું ટ્રસ્ટ બદલાતા આ વ્યવસ્થા બદલીને નવી ડ્રો સિસ્ટમ શરૂ કરાઈ છે. આ પ્રથા શરૂ કરતા પહેલાં જે ભક્તોનું એડવાન્સ બુકિંગ હતું તેમની પણ સંમતિ લેવાઈ હતી. આ પછી ડ્રો કરવામાં આવ્યો હતો. ૧૮ ભક્તોએ તેમાં લાભ લીધો હતો.
ડ્રોમાં સરસપુરના રહેવાસી મીનાબહેન ધીરૂભાઈ બારોટની યજમાન બનવાનું સૌભાગ્ય મળ્યું છે. જ્યારે આ ડ્રોમાં ૨૦૨૨ સુધીના યજમાન નક્કી કરાયા છે. મામેરું ચઢાવવા માટે યજમાન બનેલા મીનાબહેનના પતિ ધીરૂભાઈએ જણાવ્યું કે, ૧૮ વર્ષ પહેલા મીનાબહેનને મામેરું ચઢાવવા સ્વપ્ન આવ્યું હતું. એ સમયે તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ દર વર્ષે ભગવાનના મંદિરે સાડી ચઢાવતા હતા.


