અમદાવાદઃ ૨૫ ઓગસ્ટે પાટીદારોની મહારેલી પછી મોડી રાતે અમદાવાદમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની ધરપકડ અને પોલીસદમન બાદ અમદાવાદમાં ફાટી નીકળેલાં તોફાનો દરમિયાન પોલીસે બે દિવસમાં ૪૦ હજારથી વધુ પાટીદારો સહિતનાં ટોળાં સામે ૧૨ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધી છે.
૨૫ અને ૨૬ ઓગસ્ટે થયેલાં તોફાનો બાબતે અમદાવાદમાં ઘાટલોડિયા, બાપુનગર, મેઘાણીનગર, નારણપુરા, રામોલ, ચાંદખેડા, સાબરમતી, સેટેલાઇટ, કૃષ્ણનગર, વાડજ, શહેર કોટડા અને સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ પર હુમલો, પોલીસ ચોકીઓમાં તોડફોડ અને આગ લગાવવી, સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવું અને તોડફોડ કરવી, બસોને સળગાવવી, બસ-સ્ટેશનોમાં તોડફોડ કરી આગ ચાંપવા સહિતના વિવિધ ૩૬ કેસ નોંધાયા છે. આ કેસમાં અત્યાર સુધી ૨૧ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. પોલીસે તોફાની ટોળાંઓને કાબૂમાં લેવા માટે આ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ૧૮૩ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યારે ટિયરગેસના ૬૯ શોર્ટ રેન્જ શેલ્સ અને ૫૦૬ લોન્ગ રેન્જ શેલ્સ છોડ્યા હતા.
મૃત્યુઆંક ૧૦ થયો
આ તોફાનો દરમિયાન બાપુનગરમાં પોલીસ કસ્ટડીમાં શ્વેતાંગ પટેલનું મંગળવારે રાત્રે મૃત્યુ થયું હતું. જ્યારે નિકોલ વિસ્તારમાં ઘાયલ થયેલા મનીષ વાલડિયાનું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. સુરતમાં ઘાયલ ૩૩ વર્ષના પોલીસ કોન્સ્ટેબલ દિલીપ રાઠવાનું મૃત્યુ થયું હતું. આમ અનામત આંદોલનમાં ૧૦ લોકોના મોત થયાં છે.