અમદાવાદઃ અમરાઇવાડીમાં આવેલા નાગરવેલ હનુમાનના સંખલપુર ગીતાનગરમાં ફોઈ ફુઆ સાથે રહેતા મૂળ સુરેન્દ્રનગરના પાણસેણાના હિતેશ ગોવિંદભાઇ મકવાણાએ ધો. ૧૨ સુધી અભ્યાસ કર્યો છે. એ પછી તે કોલ સેન્ટરમાં નોકરી કરતો હતો તે પણ થોડા સમય બાદ છોડી દીધી હતી.
નોકરી દરમિયાન ફેસબુકના એકાઉન્ટ પર અમેરિકાના કાલીસ્પેલ મોન્ટોનમાં રહેતી ટેમિલી લેમકીનના સંપર્કમાં હિતેશ આવ્યો હતો. જોત-જોતાંમાં બંને એકબીજાના પ્રેમ પડી ગયા હતા. ૨૩ વર્ષીય બેકાર હિતેશે પોતાની વાસ્તવિક્તાના ફોટા ટેમિલીને અમેરિકા મોકલ્યા હતા અને હિતેશના પ્રેમમાં પાગલ બનેલી ટેમિલીએ તેના માતા-પિતા અને ભાઈ સાથે હિતેશની વીડિયો કોલિંગથી વાતચીત કરાવી હતી.
સહાનુભૂતિ અને લાગણીથી બંધાયેલી આ યુએસની લાડીએ હિતેશ સાથે લગ્નની તૈયારી દર્શાવી હતી. ટેમિલી યુએસમાં નર્સ છે. ૪૦ વર્ષીય ડિવોર્સી ટેમિલી લગ્ન કરવા દોઢ મહિના અગાઉ અમદાવાદમાં આવી ગઇ હતી. દોઢ મહિનો ટેમિલી અમરાઇવાડીમાં હિતેશ સાથે રોકાઇ હતી અને સોમવારે કોર્ટમાં લગ્ન નોંધણી કરવા પહોંચી હતી.


