૪૫ વર્ષ જૂની લો ગાર્ડનની ખાઉ ગલીમાં પહેલીવાર બુલડોઝર ફર્યુંઃ ૧૪ કલાકમાં ૩૯ સ્ટોલ જમીનદોસ્ત

Wednesday 08th August 2018 06:44 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદની ૪૫ વર્ષ જૂના અને જાણીતી લો ગાર્ડન ફૂડ સ્ટ્રીટ પર પહેલી વખત કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું છે. અત્યાર સુધી સમયાંતરે અથવા પ્રસંગોપાત વેપારીઓને નોટિસ આપી સામાન્ય દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાતો હતો, પરંતુ હાઇ કોર્ટના નિર્દેશ પછી ટ્રાફિકની સમસ્યા હલ કરવાના હેતુસર પહેલીએ સવારે કોર્પોરેશને મોટી સંખ્યામાં કર્મચારી અને મશીનરીનો ઉપયોગ કરી આખે આખું ફૂડ સ્ટ્રીટ જમીનદોસ્ત કરી દીધું હતું. સ્થાનિક વેપારીઓએ શરૂઆતના તબક્કે વિરોધ કર્યો હતો. અહીં વેપાર સાથે સંકળાયેલા કેટલાક લોકોને આઘાત લાગતા બેભાન થવાના કિસ્સા પણ બન્યા હતા.
સવારે ૧૦ વાગ્યે શરૂ થયેલી કામગીરી મોડી રાત્રે ૧૨ વાગ્યે ૧૪ કલાકે પૂરી થઈ હતી. જેમાં ખાઉં ગલીના ૩૯ યુનિટ તોડી પાડ્યા હતા અને તમામ સરસામાન જપ્ત કરી લીધો હતો. ફરી દબાણ નહીં થાય તે માટે મોનિટરિંગ વ્યવસ્થા છે.
જાણીતી બ્રાન્ડનું જન્મસ્થાન
લો ગાર્ડન ફૂડ સ્ટ્રીટ ૪૫ વર્ષ જૂની છે અને અમારી ત્રીજી પેઢી અહીંયા ધંધો કરી રહી છે. અહીંથી જ પિત્ઝા, ભાજીપાંઉ, આઈસ્ક્રીમ સહિતની જાણીતી બ્રાન્ડનો જન્મ થયો હતો. ઓનેસ્ટના અજય ફોજદારે વાતચીતમાં કહ્યું કે, ‘૧૯૭૨માં અમારી ભાજીપાંઉની પહેલી લારી અહીં શરૂ કરાઈ હતી અમારી ત્રીજી પેઢી અહીં ધંધો કરે છે. જસુબહેન પિત્ઝા, અસર્ફી આઈસ્ક્રીમ, અગ્રવાલની પાણીપુરી, અમુલની સેન્ડવીચ સહિત શંકર આઈસક્રીમની શરૂઆત લો ગાર્ડનથી શરૂઆત થઈ હતી. તેથી વેપારીઓનું કહેવું છે કે અમારે માત્ર અહીં ધંધો કરવો છે. તેની વ્યવસ્થા થાય એવું ઇચ્છીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter