નવી દિલ્હી: દેશની ચૂંટણી પ્રક્રિયા પર વોચ રાખતી અને એમાં સુધારા માટે તરફેણ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ નવમી સપ્ટેમ્બરે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટના આંકડા દર્શાવે છે કે ૨૦૧૪થી ૨૦૨૧ની વચ્ચે કોંગ્રેસ પાર્ટીના સૌથી વધુ ધારાસભ્યો અને સાંસદોએ ચૂંટણી પહેલા પક્ષપલ્ટો કર્યો છે. તો બહુજન સમાજ પાર્ટી (બસપા) ચૂંટણીમાં ખૂબ ખરાબ પ્રદર્શનનો સામનો કરી રહી છે.
આ રિપોર્ટમાં એડીઆરના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ૨૦૧૪-૨૦૨૧ની વચ્ચે યોજાયેલી ચૂંટણી દરમિયાન ૨૨૨ (૨૦ ટકા) ઉમેદવારો કોંગ્રેસ છોડીને અન્ય પાર્ટીમાં જોડાયા છે. ત્યારબાદ ૧૫૩ ઉમેદવારો બસપા છોડીને અન્ય પાર્ટી વતી ચૂંટણી લડ્યા છે. આ રિપોર્ટ અનુસાર ૭ વર્ષમાં પાર્ટી બદલનાર ૧૧૩૩ ઉમેદવારોમાંથી સૌથી વધુ ૨૫૩ (૨૨ ટકા) ઉમેદવારો ભાજપમાં સામેલ થયા છે.
એડીઆર રિપોર્ટ અનુસાર ૨૦૧૪થી ૨૦૨૧ની વચ્ચે સૌથી વધુ ૧૭૭ (૩૫ ટકા) સાંસદો-ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષનો સાથ છોડ્યો છે. આ સાંસદો ધારાસભ્યો અન્ય પક્ષમાં સામેલ થઈ ગયા છે. જ્યારે ભાજપના ૩૩ સાંસદો-ધારાસભ્યો (૭ ટકા) પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં ભળી ગયા છે. જે ઉમેદવારો કે ધારાસભ્યો-સાંસદોએ પક્ષ બદલ્યા છે તેમની પ્રથમ પસંદગી ભાજપ રહી છે. ત્યારબાદ કેટલાક કોંગ્રેસ અને પછી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.


