૭૨ ટકા ભૂગર્ભજળ ઉલેચાતાં પાણીની અછતમાં રાજ્ય દેશમાં ત્રીજા ક્રમે

Wednesday 07th June 2017 07:53 EDT
 
 

અમદાવાદઃ રાજ્ય સરકારે રાજ્યમાં પાણી પૂરું પાડવાનો ભરપૂર પ્રચાર કર્યો છે, પણ વાસ્તવમાં ગુજરાત સરકારે પ્રજાને સ્વાવલંબી બનાવવાની જરૂર છે. ગુજરાતમાં જમીનમાં જે પાણી છે તે પૈકીનું ૭૨ ટકા પાણી લોકોએ ઉલેચી નાંખ્યું છે. દેશમાં ૫૪ ટકા વિસ્તાર એવો છે જ્યાં પીવાલાયક પાણી નથી. વોટરમેન કહેવાતા રાજેન્દ્રસિંઘે એવી ચિંતા વ્યક્ત કરી છે કે, જો ભૂગર્ભજળના રિચાર્જ માટે કામ નહીં થાય તો, ગુજરાત માટે આવનારાં દિવસો માઠાં હશે.
અમદાવાદનાં એએમએમાં ભૂગર્ભજળ વિશેના બે દિવસીય પરિસંવાદમાં ભાગ લેવા આવેલા રાજેન્દ્રસિંઘે ભૂગર્ભજળ રિચાર્જ કરીને રાજસ્થાનની અરાવરી નદીને જીવંત કરીને ઘણી નામના મેળવી છે. સ્ટોકહોમ વર્લ્ડ વોટર પ્રાઇઝ મેળવનારાં રાજેન્દ્રસિંઘનું કહેવું છે કે, મોટા ડેમોથી પાણીની સમસ્યા ઉકેલાઇ હોય તેવું માનવું ભૂરભરેલું છે. આ ડેમો માત્રને માત્ર નેતા-કોન્ટ્રાક્ટરોના લાભ માટે હોય છે. તેનુ ઉદાહરણ છે કે, મહારાષ્ટ્રમાં ઘણાં ડેમો છે છતાંય પાણીના અભાવે આત્મહત્યા વધુ થાય છે. ઓરિસ્સામાં હીરાકુંડા ડેમ બંધાયો તેનો હેતુ એ હતો કે, પુરને અંકુશમાં લેવાય પણ આજેય પુર આવે છે. ડેમો કે નદીઓથી પાણીની સમસ્યા હલ થઇ શકે નહીં. આજે દેશમાં ૫૪ ટકા વિસ્તારો એવા છે કે જયાં પાણી પીવાલાયક નથી. પાણીની અછતમાં પ્રથમ ક્રમાંકે તામિલનાડુ, બીજા ક્રમે કર્ણાટક અને ત્રીજા ક્રમે ગુજરાત છે. ગુજરાત સરકાર ભલે છેવાડાના માનવીને પાણી પહોંચાડવાના વાયદા કરે, પણ હજુ ઘણું કરવાનું બાકી છે. અંડરગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ માટે કામ કરવું પડશે. એટલું જ નહીં, ભૂગર્ભજળના વપરાશ માટે પોલીસી પણ ઘડવી પડશે તો ગુજરાતની પાણીની ઘણી ખરી સમસ્યા હલ થઇ શકે છે.
ગુજરાતની મોટાભાગની નદીઓ પ્રદુષિત છે તેવો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીને લીધે આ દશા થઇ છે. છેલ્લા ૨૦ વર્ષમાં દશા ઘણી ખરાબ થઇ છે. પાણીનો વપરાશ ધૂમ થઇ રહ્યો છે પણ રિચાર્જ માટે કોઇ કામ થતું નથી જેથી ગુજરાતમાં આ વાત ચિંતાજનક છે. વોટર લિંકીગ પ્રોજેક્ટ પણ અસરકારક નહી નિવડે તેવો મત વ્યક્ત કરતાં કહ્યું કે, સાંભળવામાં આ બધુય સારું છે, પણ વાસ્તવમાં આ પ્રાઇવેટાઇઝેશન ઓફ વોટર સિવાય બીજું કઇ નથી. આ આખાયે પ્રોજેક્ટ પાછળ યુકે, ફ્રાન્સ સહિત અન્ય સાતેક કંપનીઓનો ફાયદો થવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter