૭૨મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની સુરેન્દ્ર નગરમાં ઉજવણી કરાઈ

Wednesday 22nd August 2018 07:10 EDT
 
 

અમદાવાદઃ ભારતના ૭૨મા સ્વાતંત્ર્ય દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ૧૫મી ઓગસ્ટે સુરેન્દ્રનગરમાં કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સુરેન્દ્રનગરમાં તિરંગો લહેરાવીને પ્રજાજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૫૦ સુધી પીવાના પાણીની કોઇ જ સમસ્યા ન રહે તેવી વોટર સિક્યુરિટી પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. ગુલામીકાળ ન જોયો હોય તેવી નવી પેઢીને સ્વરાજ્ય મળ્યા બાદ સુરાજ્યની રચનામાં લાગી જવા માટે પણ મુખ્ય પ્રધાને આહ્વાન કર્યું હતું.
સ્વાતંત્ર્ય દિનના સમારોહમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શોષિત, પીડિત, વંચિત, ગરીબ, ખેડૂત, ગ્રામીણ, યુવાનો, મહિલાઓ એમ દરેકને વિકાસનો સમાન અવસર આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ભારતના વિકાસમાં ગુજરાતનો વિકાસ એ આપણે રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવને પરિણામે ૧૦૦ ટકા શાળા નામાંકન થયું છે. ડ્રોપ આઉટના પ્રમાણને શૂન્ય પર લઇ જવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. રાજ્યને પાણીદાર બનાવવા સુજલામ્ સુફલામ્ જળઅભિયાનને જનશક્તિનો વ્યાપક સહયોગ મળ્યો હતો.
રૂપાણીએ ઉમેર્યું હતું કે, તેના દ્વારા ૨.૫૦ લાખથી વધુ શ્રમિકોને રોજી-રોટી મળી હતી. ૧૮૦૦થી વધુ ચેકડેમ, ૫૦૭૫ તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા. ૩૨ નદીઓ પુન:જીવિત કરીને ૧૩૫૦૦ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવામાં આવી છે. શહેરોના ગંદા પાણીને રિસાયકલ કરીને પુન:ઉપયોગ કરવાની નીતિ અમલમાં મૂકાઇ છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું કે, સરકારે શાંતિ, સલામતી, સૌહાર્દ, સામાજીક સમરસતાને હંમેશાં મહત્ત્વ આપ્યું છે. નગરોમાં સીસીટીવી મૂકવા માટે રૂ. ૩૫૦ કરોડની ફાળવણી કરાઇ છે.
ચેઇન સ્નેચિંગના ગુનામાં ૧૦ વર્ષના કારાવાસની જોગવાઇ સાથે નવા કાયદાનો વટહુકમ બહાર લવાશે. ભ્રષ્ટાચાર સામે સખત કાર્યવાહી કરવા એસીબીને વધુ મજબૂત કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter