વલસાડ: પિરાણા પાસે વર્ષે રૂ. ૮ કરોડનું ટર્નઓવર ધરાવતી કેમિકલ કંપની લોકડાઉનમાં ખોટમાં જતાં તેના સંચાલક રાહુલ દીપક શાહે (રહે. અદાણી શાંતિગ્રામ, અમદાવાદ) દારૂનો ધંધો શરૂ કર્યો હતો. મહારાષ્ટ્રથી દારૂની ૨૭૮ બોટલ લઇને આવતાં પોલીસે તેની વલસાડ પાસેથી ધરપકડ કરી હતી.
વલસાડ રૂરલ પોલીસને બાતમી મળતાં મુંબઇથી અમદાવાદ તરફ જતી કાર તાજેતરમાં પોલીસે ગુંદલાલ બ્રિજ પાસે અટકાવી હતી. આ કાર ચેક કરતાં તેમાંથી ૨૭૮ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારચાલક રાહુલ દીપક શાહને કુલ રૂ. ૪.૨૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં રાહુલે જણાવ્યું કે, તેની કંપની અનિશ ઓર્ગોનિક નોટબંધી, GST અને લોકડાઉનના કારણે ખોટમાં ચાલતી હતી. મહારાષ્ટ્રના દારૂની અમદાવાદમાં વધુ ડિમાન્ડ હોવાથી તે મહારાષ્ટ્રથી છૂટક વેચાણ કરવા દારૂ લઇ આવતો હતો. વલસાડ રૂરલ પોલીસ ગાઈડલાઈન પ્રમાણે રાહુલના કોરોના ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી ચલાવશે.

