જસદણઃ જસદણમાં માત્ર ૧૭ વર્ષની ઉંમરથી વિવિધ રમતોમાં ભાગ લેનારા ૮૧ વર્ષના નિવૃત્ત શિક્ષક બાબુભાઈ બેચરભાઈ સરધારાએ તાજેતરમાં નાસિકના મીનાતાઈ સ્ટેડિયમમાં ૪ હજાર જેટલા સિનિયર સિટિઝન્સની વચ્ચે ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવી તેમની સફળતાની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરી વધુ એક ઇતિહાસ કાયમ કર્યો હતો. કહેવાય છે કે, સફળતાને ઉંમર સાથે કોઈ લેવાદેવા હોતા નથી, પણ શરીર સાથે કસરત રૂપી મહેનત ભળે તો અવશ્ય સફળતા મેળવી શકાય છે. યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા ૮૧ વર્ષના બાબુભાઈ સરધારાએ ગોલ્ડ મેડલ મેળવતા દેશ-વિદેશના ગુજરાતીઓ પણ પોતાના શર્ટના કોલર ઊંચા રાખી શકે તેવા ઇનામો, મેડલો, ખિતાબો, સર્ટીફિકેટ વગેરે મેળવ્યા છે. બાબુભાઈ સરધારાએ રમતગમત ક્ષેત્રે માત્ર ભારત દેશમાંથી જ નહીં પરંતુ થાઇલેન્ડ, મલેશિયા, સ્પેન, શ્રીલંકા જેવા અનેક દેશોમાંથી ઇનામો હાંસલ કરી આજે પણ ૮૧ વર્ષની વયે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.


