૯ બેઠકો પર ક્ષત્રિય-ઠાકોર-કોળીનું વર્ચસ

Sunday 28th April 2019 10:43 EDT
 
 

અમદાવાદઃ રાજ્યની ઓબીસી જ્ઞાતિઓમાં વસ્તીની દૃષ્ટિએ પ્રભુત્વ ધરાવતા ક્ષત્રિય, ઠાકોર અને કોળી સમાજના મતદારોનું વલણ લોકસભાની ૯ બેઠકોના પરિણામોને અસર કરશે. સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ભાવનગર બેઠકો પર કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ છે. તો નવસારી ક્ષેત્રમાં પરપ્રાંતિયોની સંખ્યા વધુ હોવા છતાં ૨.૭૫ લાખ કોળી મત નિર્ણાયક બને તેમ છે. બીજી તરફ ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા બેઠક તેમજ મધ્ય ગુજરાતની ખેડા, પંચમહાલ, આણંદ એમ કુલ છ બેઠકમાં ક્ષત્રિય અને ઠાકોર સમાજના મતોની સંખ્યા વધુ છે, જે નિર્ણાયક સાબિત થશે.
એંસીના દાયકામાં માધવસિંહ સોલંકીએ ‘ખામ’ થિયરી અપનાવી ઠાકોર-ક્ષત્રિય-દલિત-લઘુમતી અને આદિવાસી મતદારોને ભેગા કરી કોંગ્રેસને જ્વલંત સફળતા અપાવી હતી. ‘ખામ’ થિયરીથી ગુજરાતમાં મતોના ધ્રુવીકરણનો પ્રારંભ થયો. જોકે, ‘ખામ’ થિયરી બાદ પાટીદાર મતદારોની સાથે બિનઅનામત વર્ગના મતદારો પણ કોંગ્રેસની વિરુદ્ધમાં ગયા અને કોંગ્રેસને વનવાસ મળ્યો હતો. ૨૦૧૫માં થયેલા અનામત આંદોલનના કારણે પાટીદારો ભાજપથી વિમુખ થયા. આથી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વેળા ભાજપે કોળી અને ઠાકોર સમાજના મતોને અંકે કરવાની નીતિ અપનાવી હતી.
લોકસભા ચૂંટણીમાં આ નીતિ આગળ વધારતાં કોંગ્રેસના કોળી નેતા કુંવરજી બાવળિયાને ભાજપમાં લઇને સીધું કેબિનેટ પ્રધાનપદ અપાયું હતું. હવે સૌરાષ્ટ્રમાં કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ભાજપને કેવી સફળતા મળે છે તેના આધારે કુંવરજીનું પાણી મપાશે. ઉપરાંત ક્ષત્રિય-ઠાકોર મતદારો ઉત્તર અને મધ્ય ગુજરાતના જંગમાં નિર્ણાયક બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter