ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે જણાવ્યું હતું કે, તેમણે વડા પ્રધાન મોદી દ્વારા યોજાયેલી મુખ્ય પ્રધાનોની વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. મુખ્ય પ્રધાને જણાવ્યું કે, તેઓએ એવી રજૂઆત કરી હતી કે ગુજરાતે અત્યાર સુધીમાં ૨૦૯ ટ્રેનો દ્વારા ૨.૫૬ લાખ શ્રમિકોને તેમના વતનના રાજ્ય ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઓડિશા જેવા અન્ય રાજ્યોમાં પહોંચાડ્યા છે. બસ અને ટ્રેન દ્વારા અન્ય ૩૭ હજારથી વધુ શ્રમિકો એમના વતન રવાના કરવાની કામગીરી થઈ છે. જોકે આ શ્રમિકોનાં જ્યાં વતન છે તે સંબંધિત રાજ્યો શ્રમિકોને સ્વીકારવાની અને એમને એમના વતનમાં પહોંચાડવાની જવાબદારી ઝડપથી પૂરી કરે. જેથી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય.
૧૭મી મે પછી હોટેલો, રેસ્ટોરાં તથા અન્ય ધંધા-રોજગાર ખોલવાની પરમિશન મળવી જોઈએ એવી રજૂઆત કરતાં ગુજરાત સરકાર તરફથી એમ જણાવ્યું હતું કે, રાજ્યમાં માત્ર અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, સુરત અને વડોદરા મહાનગરો તથા બોપલ, ખંભાત સહિત ૬ નગરપાલિકા વિસ્તારોમાં જ સખતાઈથી લોકડાઉન છે બાકી જૂનાગઢ, જામનગર મહાનગરપાલિકાઓ કુલ ૧૬૨માંથી ૧૫૬ નગરપાલિકાઓ તેમજ તમામ ગામડાંઓમાં ધંધા-રોજગાર ધમધમી રહ્યાં છે. લોકોનું જીવન ઘણેખરે અંશે પૂર્વવત્ થઈ ગયું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા સઘન સર્વેલન્સ ચાલી રહ્યું છે.
વિદેશથી આવનારને ક્વોરેન્ટાઈનના વિકલ્પ
મુખ્ય પ્રધાને જણાવ્યું કે, વિદેશથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ, યાત્રીઓને ૧૪ દિવસ ઈન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઈન રહેવું જરૂરી છે અને તેઓ નિઃશુલ્ક અથવા પેઈડ બેમાંથી એક વિકલ્પ પસંદ કરી શકશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, જે પોતાના ખર્ચે હોટલ અથવા અન્ય સ્થળે ક્વોરેન્ટાઈન થવા માંગતા હોય તેમણે પસંદગીના જિલ્લા મથકની નોંધ કરાવી શકે છે.
રાજસ્થાન જવાની મંજૂરી નહીં અપાય
રાજસ્થાન સરકાર દ્વારા ગુજરાતમાંથી આવતા લોકો માટે ગુજરાત સાથેની સરહદો સીલ કરીને કોઇ પણને પ્રવેશ નહીં આપવાના નિર્ણયના પગલે ગુજરાત સરકારે રાજસ્થાન જવા માંગતા કોઇપણ વ્યક્તિને ગુજરાતમાંથી પાસ ઇશ્યુ નહીં કરવાનો નિર્ણય ૭મી મેએ કર્યો હતો. તમામ જિલ્લા કલેક્ટરોને રાજસ્થાન જવા માટેના પાસ ઇશ્યુ નહીં કરવાની સૂચના આપવામાં આવી હતી. લોકડાઉનના ત્રીજા તબક્કામાં પરપ્રાંતીયો, વિદ્યાર્થીઓ, શ્રમિકોને પોતાના વતનમાં જવા માટે તેમજ મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની મંજૂરી આપવામાં આવે છે. ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના લોકોને તેમના વતનમાં જવા માટે પાસ ઇશ્યુ કરવામાં આવે છે તેમજ શ્રમિકો માટે ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ રાજસ્થાન સરકારે ગુજરાતમાંથી આવતા લોકો માટે બોર્ડર સીલ કરી દેતાં સરકારે રાજસ્થાન પુરતા પાસ ઇશ્યુ કરવાના બંધ કરી દીધા હતા. સરકારે એવો નિર્ણય કર્યો હતો કે ગુજરાતમાંથી જે લોકો રાજસ્થાન જવા ઇચ્છતા હશે તેમણે પહેલા રાજસ્થાન સરકાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. રાજસ્થાન સરકારની મંજૂરી હશે તો જ તેના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા તેમને ગુજરાતમાંથી રાજસ્થાનમાં જવાનો પાસ ઇશ્યુ કરવામાં આવશે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ
લોકડાઉનમાં શ્રમિકોને વતન પહોંચાડવાની જહેમત વચ્ચે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને અમદાવાદ-મુંબઇને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યા હતા. બંને હાઇવે પર સરકારી તેમજ મેડિકલ ઇમરજન્સીના વાહનો જ પસાર થઇ શકશે. તેવી સૂચના અપાઈ હતી. અમદાવાદથી મુંબઇ વચ્ચેના વિસ્તારમાં લોકડાઉનના કડક અમલીકરણ માટે આ નિર્ણય લઇ ખાનગી વાહનો માટે નેશનલ હાઇવે શરૂ રાખવાનો જોકે નિર્ણય કરાયો હતો. ખાનગી વાહનોએ હવે નેશનલ હાઇવે નં-૮ પરથી અમદાવાદ સુધીનો પ્રવાસ કરવાનો રહેશે. મુંબઇ-અમદાવાદ વચ્ચેના નેશનલ હાઇવે પર ગુજરાતની હદમાં આવતા વિસ્તારોમાં વધુ ચેકપોસ્ટ મૂકી વાહનોનું કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાહનો ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તાઓની છટકબારીનો ઉપયોગ ન કરે તે માટે ગ્રામ્ય વિસ્તારોને હાઇ-વે સાથે જોડતા રસ્તાઓ પણ અત્યારે બ્લોક કરવામાં આવ્યા છે.
૨૯ હજારથી વધુ ગુજરાતીઓ વતન પરત
રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતનમાં મોકલવા માટે ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરાઇ છે. તેવી જ રીતે અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતના નાગરિકો વતન આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૦૧ ટ્રેન મારફતે ૧.૨૦ લાખ શ્રમિકોને અન્ય રાજ્યમાં મોકલવામાં આવ્યા છે જ્યારે બીજાં રાજ્યમાં ફસાયેલા ૨૯,૫૪૦ ગુજરાતના નાગરિકોને પરત લાવવામાં આવ્યા હોવાનું મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.
કુલ ૬૮થી વધુ ટ્રેન દોડાવાઈ
મુખ્ય પ્રધાનના સચિવે વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, પાલનપુર, વિરમગામ, સુરત, મહેસાણા સહિતના શહેરોમાંથી શ્રમિકોને ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ જેવા તેમના વતનના રાજ્યમાં મોકલવામાં આવી રહ્યા છે. ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ૬૮થી વધુ ટ્રેન અને ખાનગી બસોને મંજૂરી આપીને લાખો શ્રમિકોને વતન મોકલાયા છે.