રાજકોટઃ દિલ્હીના બહુચર્ચિત વિદ્યાર્થી નેતા કન્હૈયાકુમારે ૧૩મીએ રાજકોટમાં સંવિધાન રેલી અને સભામાં કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, મને દેશદ્રોહી ગણાવતી સરકારમાં દમ હોય તો મને જેલમાં પૂરે. અમે ભારતના વિરોધી નથી, પણ ભાજપના વિરોધી છીએ. દેશમાં સંવિધાનનું ગળે ટૂંપો દેવાનો પ્રયાસ થાય છે ત્યારે અમે ડરવાના નથી. મને વારંવાર ચેલેન્જ અપાય છે કે, કન્હૈયા પાસે ‘ભારત માતા કી જય’ બોલાવો. ભાજપના લોકો સાંભળી લે ‘ભારત માતા કી જય અને જયહિન્દ.’
રાજકોટમાં હોસ્પિટલ ચોક સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી નીકળેલી રેલી અને બાદમાં શાસ્ત્રીમેદાનમાં યોજાયેલી સભામાં કન્હૈયાકુમારે કહ્યું હતું કે, મારા ઉપર દેશદ્રોહનો કેસ છે. ૩ વર્ષથી કેસ ચાલે છે, પણ ચાર્જશીટ મૂકવામાં વિલંબ થયો છે. જો હું ગુનેગાર હોઉ તો જેલમાં પૂરી બતાવો.
હું લોકસભાની ચૂંટણી નથી લડવાનો: જિજ્ઞેશ
જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, મારે લોકસભાની ચૂંટણી નથી લડવી. મારા તરફથી આવી વાત ક્યારે પણ થઈ નથી.
પાસના નેતા હાર્દિક પટેલે પણ આ લોકસભાની ચૂંટણી લડવાનો છે કે નહીં તેનો ફોડ પાડયા વિના કહ્યું કે પોતે ચૂંટણી લડશે, પણ કઈ બેઠક પરથી અને કયારે તે નક્કી નથી.

