‘અમેરિકાપ્રેમ’ઃ 2019માં દેશનિકાલ થયેલો અશોક પટેલ ફરી ઘૂસણખોરી કરતાં ઝડપાયો

Monday 26th December 2022 10:05 EST
 

લંડનઃ અમેરિકામાં બીજી વાર ગેરકાયેદસર રીતે ઘૂસણખોરી માટે પકડાયેલ ભારતીય નાગરિક અશોક પટેલને બે વર્ષ કેદની સજા થઇ શકે છે. બે વર્ષ પહેલાં અશોક પટેલ અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ માટે ઝડપાતાં તેને દેશનિકાલ કરાયો હતો. તાજેતરમાં અશોક પટેલને યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન ઓફિસરોએ સેન્ટ ક્રોઇક્સના એરપોર્ટ ખાતેથી ફ્લોરિડાના ફોર્ટ લાઉડરડેલ ખાતે જતી ફ્લાઇટમાં બેસે તે પહેલાં ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન જણાયું હતું કે અશોક પટેલે તેની ઓળખ માટે ફ્લોરિડાનું બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ કર્યું હતું. ત્યારબાદ અધિકારીઓએ ડેટાબેઝની ચકાસણી કરતાં જાણવા મળ્યું હતું કે, 17 ઓગસ્ટ 2019ના રોજ અશોક પટેલને કેલિફોર્નિયામાં ઝડપી લેવાયો હતો અને પ્રક્રિયા બાદ દેશનિકાલ કરાયો હતો. હવે તે ફરી અમેરિકા કેવી રીતે પહોંચ્યો તે એક મોટો સવાલ તપાસ અધિકારીઓ સમક્ષ છે. પાંચ એપ્રિલ 2023ના રોજ અશોક પટેલના કેસની સુનાવણી થવાની છે અને તેમાં તેને બે વર્ષી કેદ થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter