‘આસારામના અનુયાયીઓએ તપાસ અધિકારીને બોમ્બથી ફૂંકી મારવાનો પ્લાન ઘડ્યો હતો’

Saturday 05th September 2020 06:28 EDT
 
 

અમદાવાદઃ કુખ્યાત આસારામને જ્યારે ખબર પડી કે દુષ્કર્મ કેસમાં રાજસ્થાન પોલીસનો ગાળિયો વધુ કસાઈ રહ્યો છે ત્યારે તેના અનુયાયીઓએ આ કેસની તપાસ કરી રહેલા ઉચ્ચ અધિકારી ચંચળ મિશ્રાના વ્હિકલમાં વિસ્ફોટક લગાવીને તેમને ફૂંકી મારવાનું ષડયંત્ર ઘડેલું જેની પોતાને જાણ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ રાજસ્થાનના આઈપીએસ અજય લામ્બાએ કર્યો છે. આ કેસમાં આસારામની ધરપકડ કરનારા અજય લામ્બાએ આ વાત ટૂંક સમયમાં પ્રકાશિત થનારા પોતાના પુસ્તકમાં જણાવી છે.
અજય લામ્બા કહે છે કે આસારામે તેની ધરપકડ ટાળવા માટે ભારે હવાતિયા માર્યા હતા. ‘તુમ ઐસા નહીં કર સકતે, તુમકો અભી ઉપર સે ઓર્ડર્સ આજાયેંગે કી મુઝકો એરેસ્ટ નહીં કર સકતે...’ તેવી આસારામે શેખી મારતા જ ઓફિસરે તેનો મોબાઈલ આંચકી લઈને સ્વિચ ઓફ કરી દઇને પોતાના ખિસ્સામાં મૂકી દીધો હતો. આ પછી ઓફિસરે કહ્યું હતું કે ‘બાબા, તું યે બતા કી યે સબ ક્યા કર ડાલા તુને. જલદી બતા...’
આસારામની ધરપકડની સનસનાટી પાછળની દિલધડક અને નાટકીય ઘટનાઓને સાંકળીને આઈપીએસ અધિકારી અજય લામ્બાએ `Gunning for the Godman’ નામનું પુસ્તક લખ્યું છે. હાલ જયપુરમાં એડીશનલ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા ૪૨ વર્ષીય અજય લામ્બા કહે છે કે પોતે આ પુસ્તક લખી રહ્યા છે તે અંગે ખબર પડતાં આસારામના અનુયાયીઓએ ધમકી આપતા ફોન કોલ કરવા માંડયા હતા.
આ પુસ્તકના કેટલાંક અંશો પાંચમી સપ્ટેમ્બરે વર્ચ્યુઅલ પ્રકાશિત કરાશે અને OTT થ્રિલર સ્ટોરીની જેમ વંચાશે. બુક બેકર્સ લિટરરી એજન્સીના એડીટોરીયલ વડા સહલેખક સંજય માથુર અને હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં રસપ્રદ પ્રસંગો ટાંકવામાં આવ્યા છે. ૨૦૦૫ની બેચના આઇપીએસ અધિકારી લામ્બાએ દિલ્હી પોલીસની દુષ્કર્મ સંબંધિત ફરિયાદ મળ્યા બાદ ટીવી માધ્યમ દ્વારા આસારામ પર નજર રાખીને ૨૦૧૩માં આસારામની ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter