નવી દિલ્હીઃ ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ માટે રાજ્યોના રેન્કિંગની યાદી બીજી વખત જાહેર થવાની છે ત્યારે ઘણા મુખ્ય પ્રધાન રોજેરોજ સ્કોરબોર્ડ પર નજર રાખે છે અને તેમણે સરકારી અમલદારો પર દબાણ વધારી દીધું છે.
DIPP દરેક રાજ્યએ અમલી બનાવેલા આર્થિક સુધારાને આધારે તેમને નિયમિત રેન્કિંગ આપે છે. સઘન વિશ્લેષણ અને મૂલ્યાંકન પછી ચાલુ મહિનાના આખરી ભાવમાં ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ માટે રાજ્યોના ક્રમાંક જાહેર કરાશે એટલે રાજ્યો હજુ પણ તેમના રેન્કિંગમાં સુધારો કરી શકે તેમ છે. છેલ્લી યાદી પ્રમાણે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ના મુદ્દે ઝારખંડ ૯.૪૧ ટકાના સ્કોર સાથે મોખરે છે. બિહાર અને તેલંગણા ૯.૧૨ ટકા સાથે ત્યાર પછીના ક્રમે છે. જ્યારે મધ્ય પ્રદેશ ૫.૨૯ ટકા સાથે ત્રીજા ક્રમે છે. ગયા વર્ષે ગુજરાત આ યાદીમાં મોખરે રહ્યું હતું, જે હાલ ૪.૧૨ ટકાના સ્કોર સાથે છઠ્ઠા ક્રમે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલીસી એન્ડ પ્રમોશનના અધિકારીઓ અનુસાર વિવિધ રાજ્યના ચીફ સેક્રેટરી એક પોઇન્ટ પણ જતો કરવા માગતા નથી કારણ કે કોઈ રાજ્ય ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ની રેસમાં પાછળ રહેવા તૈયાર નથી.

