અમદાવાદઃ ‘ટેલિવિઝનનો સમાજ પર પ્રભાવ વધી રહ્યો છે તેમ તેમ ટેલિવઝન ચેનલોની સમાજ તરફની જવાબદારી પણ વધી રહી છે. એબીપી ગ્રૂપની ટીવી ચેનલ 'એબીપી અસ્મિતા' આ જવાબદારી અસરકારક રીતે ભજવશે તેવો મને વિશ્વાસ છે.’ એબીપી ન્યૂઝ નેટવર્કની ગુજરાતી ચેનલ 'એબીપી અસ્મિતા'ની લોન્ચિંગ ઈવેન્ટને સંબોધતા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે આ શબ્દો ઉચ્ચારીને શુભેચ્છા વ્યક્ત કરી હતી.
'એબીપી અસ્મિતા'ના ઔપચારિક લોન્ચિંગ પ્રસંગે મુખ્ય પ્રધાને વેબસાઇટ abpasmita.in પણ ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે એબીપી ગ્રૂપના ચીફ એડિટર અવિક સરકાર, એબીપી ન્યૂઝ નેટવર્કના સીઇઓ અશોક વેંકટરમણી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, ‘એબીપી અસ્મિતાએ ગુજરાતીઓને એવું કન્ટેન્ટ આપવું પડશે જેનાથી તેમને સંતોષ થાય.’ તેમણે સૂચવ્યું હતું કે એક વર્ષ પછી આ જ પ્રકારનો સમારોહ યોજીને લોકોના અભિપ્રાય લેવા જોઇએ કે જેથી લોકોની અપેક્ષા પર એબીપી અસ્મિતા કેટલી ખરી ઉતરી છે તેની ખબર પડે.’ વાઘેલાએ બંગાળી ભાષામાં ‘ભાલો આશિષ’ કહીને શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે એબીપી ગ્રૂપના ચીફ એડિટર અવિક સરકારે જણાવ્યું હતું કે, ‘એબીપી સ્વસ્થ અને સ્વચ્છ પત્રકારત્વમાં માને છે. અમે ગુજરાતમાં સ્વસ્થ અને સ્વચ્છ પત્રકારત્વની પરંપરાને આગળ ધપાવવા આવ્યા છીએ. અમે નિષ્પક્ષ અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિનાના સમાચાર ગુજરાતીઓ સુધી પહોંચાડીશું. એબીપીનાં મૂળ પ્રાદેશિક ભાષાના અખબારમાં છે. તેના કારણે પ્રાદેશિક અસ્મિતા અને પ્રદેશનાં લોકોની અપેક્ષાઓથી અમે વાકેફ છીએ. હું વચન આપું છું કે અમે એ અપેક્ષાઓ સાકાર કોઈ કસર નહીં છોડીએ. ગુજરાતી અસ્મિતાના પ્રહરી બનવાની ફરજ અમે નિભાવશું.’ એબીપી ન્યૂઝ નેટવર્કના સીઇઓ અશોક વેંકટરમણીએ કહ્યું હતું, ‘એબીપી અસ્મિતા ચેનલ ગુજરાતી અસ્મિતાને વરેલી છે અને ગુજરાતની પ્રજા સાથે મળીને ગુજરાતી અસ્મિતાને આગળ ધપાવવાનું કામ કરશે. એબીપી ગ્રૂપ નિર્ભિક અને તટસ્થ સમાચારો માટે જાણીતું છે અને તે પરંપરા ગુજરાતમાં આગળ ધપાવશું.’


