અમદાવાદ: દેશની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થામાં આઈઆઈએમમાં પ્રવેશ માટે લેવાયેલી કેટનું પરિણામ સોમવારે જાહેર થયું છે. જેમાં ગુજરાતના ૮૦ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ૯૯ કે તેથી વધુ પર્સન્ટાઈલ મેળવ્યા છે. બીજી તરફ અમદાવાદના ૨૧થી વધુ વિદ્યાર્થીઓએ ૯૯ કે તેથી વધુ પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યાં છે. ૧૦૦માંથી ૧૦૦ પર્સન્ટાઈલ મેળવનારાઓમાં સુરતના મીત અગ્રવાલનો સમાવેશ થાય છે. અમદાવાદની અદિતિ કાવ્યાએ ૯૯.૯૮ પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. હાઈ મેરીટ ધરાવતા અમદાવાદના ૨૧થી વધુ વિદ્યાર્થીઓમાંથી ૧૫થી વધુ વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડ અને એન્જિનિયરીંગ બેક ગ્રાઉન્ડના છે.બાકીના બીબીએ, બીકોમ તેમજ અન્ય વિદ્યાશાખાના છે.
દેશની અગ્રણી ૧૫થી વધુ આઈઆઈએમમાં પ્રવેશ માટેની ટેસ્ટ કેટ ગત ડિસેમ્બરમાં લેવાઈ હતી. દેશના આશરે ૨ લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. કેટના જાહેર થયેલા પરિણામમાં દેશભરમાંથી ૨૦ વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ પર્સન્ટાઈલ મેળવ્યા છે. જ્યારે સુરતના એક વિદ્યાર્થી મીત અગ્રવાલે ૧૦૦માંથી ૧૦૦ પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યાં છે. પરિણામની જાહેરાતના પગલે વિદ્યાર્થીઓ અગ્રણી આઈઆઈએમમાં પ્રવેશ મળે તેની રાહ જોઈ રહ્યા છે.
કેટના પરિણામની જાહેરાતના પગલે દેશની વિવિધ આઇઆઈએમ તરફથી લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને કોલ લેટર આપવામાં આવશે.તે પછીથી ૨૧મી જાન્યુઆરીથી ૩૧મી માર્ચ દરમિયાન ઈન્ટરવ્યુ થશે. વિદ્યાર્થીઓની ચોઈસ મુજબ મેરીટના આધારે વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુ માટે બોલાવાશે.