‘કેમ છો, મિ. પ્રેસિડેન્ટ’ઃ હવે ટ્રમ્પ અમદાવાદના મહેમાન બનશે!

Tuesday 21st January 2020 06:16 EST
 
 

ગાંધીનગરઃ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના હ્યુસ્ટનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યોજાયેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમ યોજાયો હતો. હવે આવો જ કાર્યક્રમ ‘કેમ છો, મિ. પ્રેસિડેન્ટ’ આવતા મહિને અમદાવાદના આંગણે યોજાય તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પ અને મોદી ગુજરાતની પ્રજા સાથે સીધો સંવાદ કરશે.
ટ્રમ્પનો કાર્યક્રમ ભલે અમદાવાદમાં યોજાઇ રહ્યો હોય, પરંતુ તેમની નજર અમેરિકામાં વસતાં ૧૫ લાખ ગુજરાતીઓ પર છે. આ વર્ષની ત્રીજી નવેમ્બરે અમેરિકામાં પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાવાની છે. અને અને ટ્રમ્પનો ઉદ્દેશ્ય ભારતીય સમાજને પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક પાર્ટી તરફથી પોતાના પક્ષ રીપબ્લિકન પાર્ટી તરફ વાળવાનો છે.
આ માટે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં અથવા એવા જ પ્રકારના કોઇ સ્થળે આ કાર્યક્રમ યોજાય તેવી ગણતરીઓ મંડાઇ રહી છે. જોકે હજુ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે મગનું નામ મરી પાડતા નથી. તેઓ કહે છે કે આવી કોઇ જાણકારી હજુ સુધી રાજ્ય સરકારને આપવામાં આવી નથી.

જિનપિંગ, આબે અને હવે ટ્રમ્પ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ અને જાપાનના વડા પ્રધાન શિન્જો આબે સાથે અમદાવાદમાં અનૌપચારિક બેઠકોનું આયોજન કર્યું હતું. આ બંને બેઠકો સફળ રહી હતી. હવે આ દિશામાં વધુ એક દેશના પ્રમુખ અમદાવાદના મહેમાન બને તેવી ઉજળી શક્યતા છે. ગયા વર્ષે નવેમ્બરમાં અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા મોદીના અત્યંત લોકપ્રિય હાઉડી કાર્યક્રમની સફળતા પછી ટ્રમ્પ પણ ભાજપના ગઢ ગુજરાતમાં આવા એક કાર્યક્રમમાં ભાગ લેશે તેમ મનાય છે. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં થઈ શકે છે. ટ્રમ્પના ફેબ્રુઆરી મહિનામાં ભારતના ત્રણ દિવસના સૂચિત પ્રવાસમાં આ પ્રકારના કાર્યક્રમના આયોજનની સંભાવના છે. સૂચિત કાર્યક્રમનું નામ ‘કેમ છો, મિ. પ્રેસિડેન્ટ’ હોઈ શકે છે. જોકે, ટ્રમ્પની ભારત મુલાકાતની તારીખો હજી નક્કી થઈ નથી.

મજબૂત ગુજરાતી મત બેન્ક

ભારતમાં અમેરિકન પ્રમુખના કાર્યક્રમની તૈયારી કરી રહેલા અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રમુખ ટ્રમ્પ ત્રણ દિવસના ભારત પ્રવાસ સમયે દિલ્હી સિવાય અન્ય કોઈ શહેરનો પ્રવાસ કરશે. આ શહેર અમદાવાદ હોઇ શકે છે. કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ કાર્યક્રમમાં ટ્રમ્પની સાથે વડા પ્રધાન મોદી પણ જોડાઈ શકે છે. હ્યુસ્ટનના ‘હાઉડી મોદી’ની જેમ ‘હાઉડી ટ્રમ્પ’ કાર્યક્રમમાં ગુજરાતી મૂળના અમેરિકન નાગરિકો પણ ભાગ લેશે. અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ભારતીય મૂળના અમેરિકનો ખાસ કરીને ગુજરાતીઓ એક મહત્વની વોટ બેન્ક છે.

દ્વિપક્ષીય વેપાર કેન્દ્રસ્થાને

આ કાર્યક્રમ સિવાય ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ટૂંકા ગાળાના વ્યાપારિક સોદા અંગે સમજૂતી થવાની શક્યતા છે. આ સમજૂતી હેઠળ અમેરિકન કંપનીઓને ભારતીય બજારમાં ઉતરવાની તક મળશે. બીજી બાજુ, તેના બદલામાં અમેરિકા ફરીથી ભારતને તેના દેશમાં વેપાર કરવાની એ છૂટ આપશે, જેના પર ગયા વર્ષે ટ્રમ્પ સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
વધુમાં ટ્રમ્પ અને મોદી લાંબા ગાળાના વ્યાપાર સોદા પર પણ ચર્ચા કરશે તેમ મનાય છે, જેમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો સમાવેશ થઈ શકે છે. વ્યાપારિક સોદા અંગે અન્ય એક અધિકારીએ કહ્યું કે આ મુદ્દે વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે અને તે એકાદ મહિનામાં પૂરી થવાની સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter