અમદાવાદઃ ભયાનક દુર્ઘટનાનો ભોગ બનેલા બોઇંગના 787-8/9 ડ્રીમલાઇનર વિમાનોની ફ્લીટની સુરક્ષા તપાસને વધુ કડક બનાવાઈ છે. DGCAએ શુક્રવારે એર ઇન્ડિયાને આદેશ આપ્યો કે તે 15 જૂનથી જીઇએનએક્સ એન્જિન વાળા બોઇંગ 787 ડ્રીમલાઇનર ફ્લીટની ફ્લાઇટ પહેલા વિશેષ તપાસ પ્રક્રિયાને અનિવાર્યપણે લાગુ કરે. એર ઇન્ડિયાની પાસે 26 બોઇંગ 787-8 એસ અને 7 બોઇંગ 787-9 એસ વિમાન છે. NIAની સાથે જ અમેરિકા અને બ્રિટનની એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
બીજી તરફ, દુર્ઘટના પહેલા વિમાનના પાયલટ સુમીત સભરવાલે એટીસીને છેલ્લો મે ડે મેસેજ મોકલ્યો હતો. 4-5 સેકન્ડના સંદેશમાં સુમિત કહી રહ્યા છે કે 'મેડે. મેડે મેડે ...કોઈ થ્રસ્ટ નહીં મિલ રહા. તાકાત ઘટી રહી છે, પ્લેન ઉડી રહ્યું નથી, નહીં બચીએ.' દરમિયાન તપાસ એજન્સીઓની નજર હવે વિમાનના બ્લેકબોક્સ પર ટકેલી છે. જેનાથી અસલ કારણ સામે આવશે.
બોઈંગની આ સિરીઝમાં
અનેક દુર્ઘટના ઘટી છે
બોઇંગના જે ડ્રીમલાઇનર 787-8 વિમાનમાં દુર્ઘટના થઈ, એ કેટેગરીનું એક અન્ય વિમાન ગત 4 ઓગસ્ટ, 2023ના રોજ દુર્ઘટનાનું શિકાર બનતા બચી ગયું હતું. ત્યારે વિમાન 267 લોકોને લઈને મુંબઇથી લંડન જઈ રહ્યું હતું. 17 હજાર ફૂટની ઊંચાઇએ એન્જિન બંધ થઈ ગયું હતું. DGCAના રિપોર્ટ અનુસાર, પાયલટે કંટ્રોલનો પ્રયાસ કરતા જ સિગ્નલ બંધ થઇ ગયા હતા. હાઈ પ્રેશર કમ્પ્રેસરના સ્ટેજ-10થી બ્લેડ અથવા પંખા જેવો હિસ્સો અલગ થઈ જતા કટોકટી સર્જાયાનું તારણ સામે આવ્યું હતું.
સૌથી વધુ ચરોતરના 50, વડોદરાના 31, અમદાવાદના 10, દીવના 14 યાત્રીનાં મોત
વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોનાં મોત થયા છે. જેમાં સૌથી વધુ 50 મુસાફરો ચરોતરનાં હતા, જેમાં આણંદના 33 અને નડિયાદના 17નો સમાવેશ થાય છે. વડોદરા-શહેર જિલ્લાના 31 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા. અમદાવાદના 10 અને મહેસાણા-પાલનપુર-હિંમતનગર સહિત ઉત્તર ગુજરાતના 22 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના 14 લોકો પણ મૃતકોમાં સામેલ છે.
આ ઉપરાંત 61 વિદેશી નાગરિકો પણ મૃતકોમાં સામેલ છે. જેમાં બ્રિટનના 53, પોર્ટુગલના 7 અને કેનેડાનો 1 નાગરિક સામેલ છે. કચ્છના લેવા પટેલ જ્ઞાતિના પાંચ વ્યક્તિએ પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. ભરૂચના 5, વાપીના 3, સુરતના 3, જુનાગઢના 3, વેરાવળના 2 જામનગરના 2, રાજકોટના 2 ભાવનગરના 4 મહુવાનાં 1ગઢડા (બોટાદ)ના 2નો મૃતકોમાં સમાવેશ થાય છે.