‘ગતિશીલ ગુજરાત’ના પ્રણેતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલનું વિકાસલક્ષી એક વર્ષ

- ડો. મફતલાલ પટેલ Tuesday 23rd June 2015 11:51 EDT
 
 

૨૨ મે, ૨૦૧૪ના રોજ શ્રીમતી આનંદીબહેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો એ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર એક મહિલાને રાજ્યનું સુકાન સોંપવામાં આવ્યું હતું. આજે એક વર્ષના અંતે, એક નારી શક્તિએ જે કાર્ય સિદ્ધ કરી બતાવ્યું છે તે અવર્ણનીય છે અને તેનો અનુભવ ગુજરાતની જનતાએ કર્યો છે.

૭૪ વર્ષની જૈફ ઉંમર, ઉત્તર ગુજરાતના સામાજિક વાતાવરણ વચ્ચે ખેડૂત પરિવારમાં જન્મેલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સવારના પાંચથી રાત્રિના ૧૨ વાગ્યા સુધી ગુજરાતના વિકાસ માટે થાક્યા વિના, વણથંભ્યા, એક વર્ષમાં ૭૬,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને ગુજરાતને રાષ્ટ્રનું ‘ગ્રોથ એન્જિન’ બનાવવા માટે જે ભગીરથ કાર્ય કર્યું છે તેની નોંધ સમગ્ર દેશે લીધી છે. મહિલા શક્તિનું સામર્થ્ય કેવું હોય અને એક નારી ધારે તો રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં કેટલું યોગદાન આપી શકે, તેનો સચોટ પુરાવો શ્રીમતી આનંદીબહેન પટેલ પોતે છે.

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી આનંદીબહેને સૌથી પ્રથમ વિચારમંથન કર્યો કે ગુજરાતના વિકાસને ગતિશીલ કેવી રીતે બનાવવો? સામાન્ય જનતાના પ્રશ્નો ઝડપથી કેવી રીતે ઉકેલી શકાય? વિકાસના કાર્યોમાં જનતાને સામેલ કેવી રીતે કરવી? આ માટે ૧૦૦ દિવસનો પ્રથમ ફેઝ કાર્યક્રમ નક્કી કર્યો, જેમાં લોકહિતના ૧૧ વિષયોના ૫૧ મુદ્દાઓને આવરી લેતો ‘ગતિશીલ ગુજરાત’નો કાર્યક્રમ નિશ્ચિત કર્યો. જ્યારે ૧૦૦ દિવસ પછી બધા કાર્યક્રમોનું મૂલ્યાંકન થયું ત્યારે ૧૩૮ ટકા કાર્યસિદ્ધિ હાંસલ થઇ હતી. ત્યાર પછી બીજા તબક્કામાં ૧૫૦ દિવસમાં બીજા વિષયો લઈને કાર્યક્રમ અમલમાં મુકતાં ૧૨૬ ટકા સિદ્ધિ મેળવી અને હવે એપ્રિલ ૨૦૧૫થી ત્રીજો તબક્કો શરૂ કર્યો છે. જેમાં જનહિતના ૧૬ વિષયો અને ૧૭૩ પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને તેને સફળ બનાવવા માટે નોંધપાત્ર કાર્ય આનંદીબહેન કરી રહ્યાં છે.

અત્યારે દર સોમવારે અને મંગળવારે કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રીને પોતાનાં પ્રશ્નો લઈને મળી શકે છે. આનંદીબહેનની વિશેષતા એ છે કે સવારના ૧૦ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી પોતાની ચેમ્બરમાં બેસીને લોકહિતના પ્રશ્નો સાંભળીને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા સૂચનાઓ આપે છે. આ સમર્થ, શક્તિશાળી નારીની વિશેષતા એ છે કે પોતે ઘરેથી જ જમવા માટે ટીફીન લઈને આવે છે, ને બપોરનો લંચ પોતાની ઓફિસમાં જ કરે છે. મુખ્યમંત્રીની બીજી એક વિચારધારા એ છે કે સ્થાનિક પ્રશ્નો માટે લોકોને ગાંધીનગર સુધી આવવું ના પડે, તેમનો સમય, શક્તિ અને નાણાં બચે તે માટે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો દરેક જિલ્લામાં જઈને લોકો સાથે સંવાદ કરી પ્રશ્નો હલ કરી રહ્યા છે, જેના લીધે લોકોના પ્રશ્નોનો ઝડપથી અને સરળતાથી ઉકેલ આવી રહ્યો છે.

આનંદીબહેનની બે બાબતો અત્યંત નોંધપાત્ર બની છે. એક મહિલા સશક્તિકરણ અને બીજુ ગુજરાતને ગંદકીમુક્ત બનાવવું. રાજ્યની છ કરોડ જનતામાં ત્રણ કરોડ મહિલાઓ છે. ખરેખર તો આ મહિલાઅો જ રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસના પાયામાં છે. આનંદીબહેને મહિલાઓના વિકાસ માટે એક અલગ વિઝન તૈયાર કર્યું. પહેલી વાર તેઓએ જેન્ડર બનાવ્યું. રાજ્યની મહિલાઓ માટે ૪૭,૮૪૦ કરોડનું બજેટ ફાળવ્યું છે. મહિલા સશક્તિકરણ માટે પોલીસ સહિતની તમામ કેડરમાં ૩૩ ટકા મહિલા અનામત, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૩૩ ટકાથી વધારીને ૫૦ ટકા મહિલાઓ માટે અનામત લાગુ કરી છે. રાજ્યભરમાં નારી અદાલતોનું આયોજન કરી ચાલુ સાલે નવી ૫૦ નારી અદાલતોનું નિર્માણ કર્યું છે. ૩,૧૨,૧૦૩ મહિલાઓને સ્વરક્ષા તાલીમ આપી છે તો મહિલાઓની સુરક્ષા માટે ૩૦ મહિલા પોલીસ સ્ટેશન શરૂ કર્યા છે અને રાજ્યના દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામકક્ષાએ મહિલા સુરક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. નિરાધાર વિધવા મહિલાઓની સહાયતા યોજના બનાવીને એક વર્ષમાં ૩૧,૫૭૩ વિધવાઓને આર્થિક સહાય આપી. આવી અનેક નાની નાની મહિલા વિકાસની યોજનાઓ બનાવીને ગુજરાતની મહિલાઓને સશક્ત કરવાનો નિર્ણય એક મહિલા મુખ્યમંત્રીએ લીધો છે. જે માટે ગુજરાતની મહિલાઓ આનંદીબહેન માટે ગર્વ લઈ રહી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનનો આહલેક જગાવતા ગુજરાતને સંપૂર્ણ ગંદકી મુક્ત બનાવવાનો નિર્ણય આનંદીબહેને લીધો છે. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી - ૨૦૧૭ સુધીમાં ગુજરાતને સંપૂર્ણ ગંદકીમુક્ત બનાવવા અને ગુજરાતનું એક પણ ઘર શૌચાલય વગરનું ના રહે તે માટે આનંદીબહેને ૨૦૧૪-૧૫માં ગ્રામકક્ષાએ ૯,૮૦,૩૨૦ શૌચાલયો બનાવવાની મંજૂરી આપી હતી. જૈ પૈકી એક વર્ષના ટૂંકા ગાળામાં ગ્રામકક્ષાએ ૩,૨૦,૮૧૪ શૌચાલયો બની ચૂક્યાં છે તો શહેરી વિસ્તારમાં બીજાં ૩,૨૩,૮૯૩ શૌચાલયો બની ગયાં છે.

ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને આનંદીબહેને સૂચના આપી છે કે ત્રણ મહિનામાં જ દરેક ઘરે શૌચાલય બનવું જોઈએ. જેના ઘરે શૌચાલય ના હોય તે ચૂંટણીમાં ઉમેદવાર થઈ શકશે નહિ. આપને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના ચાર હજારથી વધારે ગામોમાં ૧૦૦ ટકા શૌચાલયો બની ગયાં છે. બાકીના ગામોમાં ગ્રામકક્ષાએ સ્થાનિક લોકો સક્રીય બન્યા છે. ગ્રામ્યકક્ષાના લોકો વેપાર-ધંધા કે નોકરી અર્થે શહેરોમાં રહે છે, તે વિવિધ વ્યવસાયો કરીને ધન કમાય છે, તેઓ પોતાના વતનમાં શૌચાલયો બનાવવા માટે લાગી ગયા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા જેવા દેશોમાં રહેતા ભારતીયો પોતાના વતનમાં શૌચાલયો બને તે માટે સક્રિય બન્યા છે. આ રીતે જોઈએ તો આનંદીબહેને સ્વચ્છતા અભિયાનનું એક આંદોલન ઊભું કર્યું છે.

આ ઉપરાંત મહેસૂલ વિભાગનું આધુનિકકરણ પણ આનંદીબહેને કર્યું છે. મહેસૂલ વિભાગના જૂના જર્જરિત થયેલા અને ખેડૂતોને હેરાન-પરેશાન કરતા કાયદાઓનું આધુનિકરણ કર્યું છે. કાયદાઓ સરળ બનાવી દીધા છે. ખેડૂતપુત્રોએ તમામ કાયદાઓ ખેડૂતોને કેન્દ્રમાં રાખીને, ખેડૂતોને ફાયદા કરે તેવા કાનૂન બનાવ્યા છે.

૧૧થી ૧૩ જાન્યુઆરી, ૨૦૧૫ દરમિયાન યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને વિશ્વના નકશામાં વિશિષ્ટ સ્થાન અપાવી દીધું છે. વિશ્વના ૧૧૦ દેશોના પ્રતિનિધિઓ તેમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ૨૫ લાખ કરોડના મૂડીરોકાણની ૨૧ હજારથી વધારે સમજૂતી કરારો થયા. આનંદની વાત તો એ છે કે સમિટમાં વિશ્વબેન્કના અધ્યક્ષ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ, અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપુર, નેધરલેન્ડ, ભુતાન અને મેસેડોનિયાના મંત્રીઓ તથા ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા, જેના કારણે વિશ્વમાં ગુજરાત ગૌરવવંતા સ્થાન પર આવ્યું છે. આ આપણા સૌ માટે ગૌરવનો વિષય છે.

આનંદીબહેન સતત જાગૃત છે, સક્રીય છે. આ વર્ષ પ્રજાહિતની વિવિધ યોજનાઓના નક્કર અમલની વણથંભી વણઝારનું વર્ષ રહ્યું. ગતિશીલ ગુજરાતના પ્રણેતા શ્રીમતી આનંદીબહેન પટેલની દીર્ઘદૃષ્ટિ, કુશળ નેતૃત્વ, લોકસેવાના પરિશ્રમના પ્રસ્વેદ અને સંવેદનાસભર અભિગમથી ગુજરાતના તમામ ક્ષેત્રે વિકાસની રફતાર વધુ તેજ બની છે. ગુજરાતની દરેક વ્યક્તિને અનુભૂતિ થઈ રહી છે કે સૌ કોઈના સાથથી સૌ કોઈના વિકાસ માટેની પ્રતિબદ્ધતાએ ગતિશીલ ગુજરાતનો મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થયો છે. યુવાનો, બાળકો, ખેડૂતો, વંચિતો, વનબંધુઓ સૌ કોઈ માટે આનંદીબહેન વર્ષ દરમિયાન રાત-દિવસ જોયા વિના કરેલા કાર્યો નોંધપાત્ર બન્યા છે.

(લેખક સાહિત્યકાર, કેળવણીકાર અને ‘અચલા’ માલિકના તંત્રી છે અને આનંદીબેન પટેલના પતિ છે. ડો. મફતભાઇ અત્રે યુકેના પ્રવાસે પધાર્યા છે અને તાજેતરમાં જ તેમણે 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાત લીધી હતી.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter