ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીની સાંજે બીજી સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં અકબર રોડ ખાતે રૂ. ૧૩૧ કરોડના ખર્ચે બનેલા ગુજરાત સરકારના વીવીઆઈપી ગેસ્ટ હાઉસ ‘ગરવી ગુજરાત ભવન’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગુજરાતનાં પૂર્વ મુખ્ય પ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય તેમજ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતાં સાસંદો અને પ્રધાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ગુજરાતીઓને ગણેશ ચોથની મંગલકામના તથા જૈનોને મિચ્છામી દુક્કડમ સાથે જણાવ્યું હતું કે, દિલ્હીમાં દરેક રાજ્યોના ભવનો છે. જેને જે તે રાજ્યોની બ્રાન્ડ તરીકે બનાવવા જોઈએ અને તે જે તે રાજ્યના ટુરિઝમ સેન્ટર બને તે જરૂરી છે. આ માટે દરેક રાજ્યએ સક્રિય બનવું પડે જેથી પર્યટનથી માંડીને રોકાણ સુધીની તકો વિકસે.
મોદીએ કહ્યું કે, બે વર્ષ પહેલાં ‘ગરવી ગુજરાત ભવન’ના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થયું હતું અને હવે એનું ઉદઘાટન થયું છે. સમયમર્યાદામાં પ્રોજ્કેટ પૂરા કરવાની એક આદત વિકસી છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતો ત્યારે હું હંમેશાં કહેતો કે જેનો શિલાન્યાસ કરું છું તેનું ઉદઘાટન પણ હું જ કરું છું. આ અહંકાર નહીં, પણ સાર્વજનિક કમિટમેન્ટ રહેતું. ‘ગુજરાત ભવન’ની ઈમારત મિની ગુજરાતનું મોડલ છે અને ન્યૂ ઇન્ડિયાની વિચારધારાનું પણ પ્રતીક છે. કારણ કે સરકાર ‘જડો સે જૂડે રહેના ચાહતે હૈ, આસમાં કો છુના ચાહતે હૈ’માં માને છે.
આ પ્રોજેક્ટમાં પર્યાવરણ પ્રેમ, વોટર હાર્વેસ્ટિંગ, સોલાર પાવરથી માંડીને ગુજરાતની ભાતીગળ સંસ્કતિને સ્થાન અપાયું છે. ગુજરાતની આર્ટ અને ક્રાફ્ટ દર્શાવતા આ ભવનથી ગુજરાત ટૂરિઝમનું પ્રમોશન સિદ્ધ થઈ શકશે.
મોદીએ કહ્યું કે, રાજ્યમાં અને કેન્દ્રમાં એક જ પક્ષનું શાસન હોય તો સમસ્યાઓનું સરળ સમાધાન થાય છે. ગુજરાતમાં નર્મદા ડેમની સમસ્યા હતી તે ઉકલી ગઈ છે. ગુજરાતમાં સૌની યોજના તથા સુજલામ સુફલામ યોજનાઓએ ગતિ પકડતાં લોકોને પાણીની સુવિધા મળે છે. ગુજરાતમાં એરપોર્ટ પ્રોજેક્ટ, ધોલેરા એરપોર્ટ, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર્સ, મેટ્રોરેલ સહિતના પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યા છે.
ગુજરાતનો ઝડપી વિકાસ
મોદીએ કહ્યું કે, ગુજરાતમાં લગભગ દોઢ દશક મુખ્ય પ્રધાન તરીકે રહ્યો હતો ત્યારથી ગુજરાતના વિકાસને મેં ઘણો નજીકથી જોયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં પણ રાજ્યનો વિકાસ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. પહેલાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબહેનના નેતૃત્વમાં ગુજરાતને નવી ઊર્જા મળી અને એ પછી હવે વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં ગુજરાત નવી બુલંદીઓને સ્પર્શી રહ્યું છે. મને જણાવતાં ગર્વ થાય છે કે રાજ્યનો વિકાસ ૧૦ ટકાથી વધુ દરે વધી રહ્યો છે.
સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિ
મોદીએ જણાવ્યું કે, ‘ગુજરાત ભવન’માં ગુજરાતી વ્યંજનોનો આસ્વાદ લઈ શકાશે. આ ઉપરાંત સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિના મિશનને પાર પાડવા આ ભવન ઉદાહરણીય બનશે.
ઇકો ફ્રેન્ડલી ભવનઃ મોદી વિઝન
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતને દિલ્હીમાં નવા ગુજરાત ભવનની ભેટ આપવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર. કેન્દ્રમાં મોદી સરકારના શાસન બાદ નર્મદા યોજનામાં બધી મુશ્કેલીઓ દૂર થઈ છે. ફૂડ રોયલ્ટીની બાકી લેણી રકમો મળી છે. મરિન યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી, ટ્રાઈબલ મ્યુઝિયમ, રાજકોટમાં એઇમ્સ જેવા પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે. દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું કામ શરૂ થઈ ગયું છે. સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે અનુમતિ મળી છે. નેશનલ હાઈવે પ્રોજેટ્સને મંજૂરી મળી છે. એમ વિવિધ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યાં છીએ. ગુજરાતને રોલમોડલ બનાવવાની અને દરેક મોરચે પ્રથમ રાખવાની પ્રતિબદ્ધતતા વ્યક્ત કરતા મખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ઇકો ફ્રેન્ડલી ભવન વડા પ્રધાન મોદીના વિઝનની એક બહેતરીન મિસાલ છે. વર્ષ ૨૦૦૭થી આ માટે જમીનની માગ હતી, પરંતુ તે ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકારની સ્થાપના પછી પૂરી થઈ છે. આ પ્રોજેક્ટથી ગુજરાતનું એક વધુ સપનું સાકાર થયું છે. ગુજરાતની પ્રજા એના માટે સદાય ઋણી રહેશે.
‘ગુજરાત ભવન’ની ખાસિયતો
• રાજસ્થાનના ધોલપુરના પથ્થરોની જડેલી ૭ માળની શાનદાર નયનરમ્ય ઇમારત • કુલ વિસ્તાર ૭,૦૬૬ ચોરસ મીટર અને બાંધકામ ૨૦,૩૨૩ ચોરસમીટરના બે બેઝમેન્ટ્સ • વિવિધ થિમ આધારિત ૭૮ રૂમ • લોન્જ, હોલ, લાઇબ્રેરી, ટેરેસ ગાર્ડન, મ્યુઝિયમ ગેલેરી, ગુજરાતી રેસ્ટોરાં, ડાઇનિંગ હોલ • ગુજરાતના ભાતીગળ હેરિટેજની ઝાંખી • ગુજરાતી વ્યંજનો રેસ્ટોરાંમાં માણવા મળશે • દિલ્હીના કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ


