અમદાવાદઃ ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતનાં ગાયિકા કિંજલ દવેને આ ગીત મામલે ફરી કોર્ટની નોટિસ મળી છે. નવરાત્રિના સમયમાં નોટિસ મળતાં કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ગીતના કોપી રાઈટ મામલે કિંજલને નોટિસ મળી છે. કિંજલ દવેએ આ મામલે કોર્ટમાં ફરી ખુલાસો કરવો પડશે કારણ કે ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી કાર્તિક પટેલે કમર્શિયલ કોર્ટમાં દાવો કર્યો છે કે કોપી રાઈટ તેના છે. તેણે જણાવ્યું છે કે આ ગીત તેણે જ લખ્યું છે અને ગાયું પણ છે જેની કિંજલ દવેએ નકલ કરી છે. આ મામલે તેણે કોપી રાઈટ ધારા હેઠળ રજૂઆત કરીને જણાવ્યું કે આ ગીત તેણે બનાવીને તેનો વીડિયો યુ-ટ્યૂબ પર વર્ષ ૨૦૧૬માં અપલોડ પણ કર્યો હતો. બાદમાં કિંજલ દવેએ ગીતમાં ફેરફારો કરીને ગીત ગાયું હતું.