‘તમારાં સપનાં જેટલાં મોટા, તેટલો મારો સંકલ્પ મોટો’

Wednesday 17th January 2024 04:53 EST
 
 

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતમાં ખૂણે ખૂણે જેઓ રોકાણ માટે સંભાવનાઓ શોધે છે, તેમના માટે ગુજરાત સરકારની આ સમિટ ગેટ વે છે. ‘તમે માત્ર મૂડીરોકાણ જ નહીં, યંગ જનરેશન યંગ ક્રિયેટર્સને શેપ-આકાર આપી રહ્યાં છો, તમારાં સપનાં એ મોદીનો સંકલ્પ છે. તમારા સપનાં જેટલા મોટાં હશે એટલો મારો સંકલ્પ મોટો હશે, આવો સપનાં જોવાની ઘણી તકો છે અને સંકલ્પને પૂરા કરવાની શક્તિ પણ હાજર છે', એમ એમણે વૈશ્વિક રોકાણકારો-ઉદ્યોગપતિઓને ઉદ્દેશીને કહ્યું હતું.
યુએઇના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પીટર ફીઆલા, ટિમોર-લેસ્ટેના રાષ્ટ્રપ્રમુખ જોસ રામોસ હોર્ટા અને મોઝામ્બિકના રાષ્ટ્રપ્રમુખ ફિલીપ ન્યૂસી-એમ ચાર વ્યક્તિ વિશેષોનું ભાવભીનું સ્વાગત કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂરાં થયા બાદ હવે ભારત આવતા 25 વર્ષના લક્ષ્ય ઉપર કામ કરી રહ્યું છે. દેશ 2047માં 100 વર્ષની ઉજવણી કરશે ત્યાં સુધીમાં વિકસિત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, એટલે આવતા 25 વર્ષનો કાર્યકાળ એ અમૃતકાળ છે, નવાં સપનાં-નવા સંકલ્પો-નિત્ય નૃત્ય સિદ્ધિઓનો આ કાર્યકાળ છે અને આ કાળમાં આ પહેલી સમિટ છે, તેથી એનું મહત્ત્વ વધી જાય છે. મોદીએ કહ્યું કે, આ સમિટને 20 વર્ષ પૂરા થયા છે. 10 વર્ષ પહેલાં વૈશ્વિક મોટી અર્થવ્યવસ્થામાં ભારત 11મા ક્રમે હતું, આજે પાંચમી અર્થવ્યવસ્થા છે. ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા થઈને જ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter