ગાંધીનગરઃ ગુજરાતની સંસદીય લોકશાહીની ઠેકડી ઉડાડતી એક અનોખી ઘટના સોમવારે વિધાનસભામાં ઘટી હતી. ૨૩ માર્ચના શહીદ દિને જૂગાર-દારૂબંધીની સરકારી નાટકીથી કંટાળેલા ૭૦ વર્ષના વૃદ્ધે બપોરે ૨-૨૦ કલાકે વીવીઆઈપી ગેલેરીમાંથી ‘ઈન્કલાબ ઝિંદાબાદ’નો નારો બોલીને ‘લ્યો તમારી દારૂબંધી તમને મુબારક’ કહી પોતાની પાઘડીમાં રહેલી દેશી દારૂની પોટલીનો સરકારના પ્રધાનો તરફ છુટ્ટો ઘા કર્યો હતો. તેમણે પત્રિકાઓ પણ ફેંકી હતી.
આ પોટલી વિપક્ષના ધારાસભ્યોની બેઠક વચ્ચે પડતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે તેને ઉપાડીને ઉપાધ્યક્ષ આત્મારામ પરમારનું ધ્યાન દોર્યું હતું. ઉપાધ્યક્ષ સૂચના આપે તે પહેલા જ આ ગંભીર ઘટનામાં સાર્જન્ટ પોલીસ ધોતિયું-ફાળિયુ પહેરીને આવેલા વિસનગરના જેતલવાસણા ગામના બાબુભાઈ શંકરભાઈ પટેલને પકડીને ગૃહની બહાર વિધાનસભા લોબીમાં ડીવાયએસપી એલ.એન. જેઠવાની ઓફિસમાં બેસાડીને પૂછપરછ કરી હતી.
ઉપાધ્યક્ષે તેમને ગૃહનું કામકાજ ચાલે ત્યાં સુધીની સજા આપતા મોડી સાંજે તેમને મુક્ત કરાયા હતા.