‘દુનિયાને ઊંધા ચશ્મા’ પહેરાવનારા લેખક તારક મહેતાની ચિરવિદાય

Friday 03rd March 2017 07:18 EST
 
 

અમદાવાદઃ પાંચ-પાંચ દસકા સુધી ગુજરાતીઓને ‘દુનિયાને ઊંધા ચશ્મા’ નામની ધારાવાહિક હાસ્યકથા અને તે પછી હિન્દી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દ્વારા વિશ્વભરમાં વસતાં ભારતીયોને હસાવનાર ઉત્તમ કક્ષાના હાસ્યલેખક તારક મહેતાનું પહેલી માર્ચે ૮૭ વર્ષની વયે નિધન થયું છે. લેખક, નાટ્યકકાર અને એટલા જ પરગજુ માનવી એવા તારકભાઇની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હતી. આજીવન લોકોને હસાવતા રહેલા આ લેખકની ઇચ્છા અનુસાર તેમના પાર્થિવ દેહનું દાન કરાયું છે. તેઓ તેમની પાછળ પત્ની, દીકરી અને બે દોહિત્રોને વિલાપ કરતા મૂકતા ગયા છે. ૨૦૧૫માં જ તારક મહેતાનું પદ્મશ્રી એવોર્ડથી સમ્માન પણ કરવામાં આવ્યું હતું.

તારક મહેતા ‘ચિત્રલેખા’માં પ્રકાશિત થતી તેમની હાસ્યલેખની શ્રેણી ‘દુનિયાને ઊંધા ચશ્મા’ માટે જાણીતા હતા, પણ તેમણે આ ઉપરાંત ૮૦ જેટલાં પુસ્તકો પણ લખ્યાં છે. નાટ્યક્ષેત્રે ઊંડું ખેડાણ કર્યું હતું. જ્યોતિન્દ્ર દવે પછી ગુજરાતી સાહિત્યના હાસ્ય લેખકોમાં તેઓ અગ્રીમ સ્થાને હતા. જુલાઈ ૨૦૦૮થી તેમના હાસ્યલેખો પરથી બનેલી સિરિયલ ધુમ મચાવી રહી છે, જે આજે પણ નિરંતર ચાલી રહી છે.

સ્વ. તારક મહેતાની લોકપ્રિય રચનાઓમાં ત્રિઅંકી નાટક ‘નવું આકાશ નવી ધરતી’ (૧૯૬૪), પ્રહસન ‘કોથળામાંથી બિલાડું’ (૧૯૬૫), ત્રિઅંકી નાટક ‘દુનિયાને ઊંધા ચશ્મા’ (૧૯૬૫)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ‘તારક મહેતાના આઠ એકાંકીઓ’ (૧૯૭૮) અને ‘તારક મહેતાના છ એકાંકીઓ’ (૧૯૮૩) પુસ્તક આપ્યા છે.

‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ (૧૯૮૧), ‘શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ’ (૧૯૮૨), ‘તારક મહેતાનો ટપુડો’ (૧૯૮૨), ‘તારક મહેતાના ટપુડાનો તરખાટ’ (૧૯૮૪), ‘દોઢ ડાહ્યા તારક મહેતાની ડાયરી’ ભાગ ૧-૨ (૧૯૮૪) વગેરે તેમના હાસ્યલેખસંગ્રહો છે. ‘તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે’ (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. એમણે ‘મેઘજી પેથરાજ શાહ - જીવન અને સિદ્ધિ’ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. આ ઉપરાંત તેમણે ‘એક્શન રિપ્લે’ નામની આત્મકથા પણ લખી હતી.

૧૯૪૫માં તેઓ મેટ્રિક પાસ થયા હતા અને ૧૯૫૬માં ખાલસા કોલેજ-મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. જ્યારે ૧૯૫૮માં ભવન્સ કોલેજ-મુંબઈથી ગુજરાતી વિષયમાં જ એમ.એ. થયા હતા. ૧૯૫૮-૫૯માં તેઓ ગુજરાતી નાટ્ય મંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી બન્યા હતા. ૧૯૫૯-૬૦માં પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી તરીકે તેમણે કામગીરી બજાવી હતી. ૧૯૬૦થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ ડિવિઝન સાથે તેઓ કાર્યરત રહ્યા હતા.

તેમણે ૧૯૭૧થી ‘ચિત્રલેખા’માં ‘દુનિયાને ઊંધા ચશ્મા’થી શરૂઆત કરી હતી. આ પછી તો તેમના ૮૦ જેટલા પુસ્તકો પ્રકાશિત થયા હતા. તારક મહેતાના ભાણેજ પ્રભાકર શુક્લએ જણાવ્યું હતું કે ફિલ્મો જોવાનો શોખ તેમને છેક છેલ્લે સુધી હતો. ઘણી વખત તેઓ મને કહેતા ચાલ ફિલ્મ જોવા જઈએ અને રસથી ફિલ્મ જોતા પણ ખરા. અમે છેલ્લે ‘સુલતાન’, ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’ પણ જોઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter