‘નાસા’ના મૂન ટુ માર્સ પ્રોગ્રામની કમાન અમિત ક્ષત્રિયને સોંપાઇ

Tuesday 04th April 2023 14:16 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં વસતા ભારતવંશીઓની સિદ્ધિમાં વધુ એક છોગું ઉમેરાયું છે. મૂળ ભારતીય સોફ્ટવેર અને રોબોટિક્સ એન્જિનિયર અમિત ક્ષત્રિયને ‘નાસા’ના તાજેતરમાં શરૂ કરાયેલા મૂન ટુ માર્સ પ્રોગ્રામની કમાન સોંપવામાં આવી છે. અમિત ક્ષત્રિય મંગળ પર માનવ સમુદાયની આગામી મોટી છલાંગની તૈયારીમાં મદદ કરશે. ક્ષત્રિય તાત્કાલિક અસરથી મિશન માટે ‘નાસા’ના ફર્સ્ટ હેડ તરીકે કામ કરશે. ‘નાસા’એ ગુરુવારે જણાવ્યું હતું કે, મિશનનો હેતુ ચંદ્ર અને મંગળ પર માનવજાતની શોધખોળ સંબધી પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે.
અમિત ક્ષત્રિય ચંદ્ર અને મંગળના મિશનના પ્રોગ્રામની યોજના અને અમલીકરણની ભૂમિકા નીભાવશે. ૨૦૦૩માં સ્પેસ પ્રોગ્રામથી કારકિર્દીની શરૂઆત કરનાર ક્ષત્રિયએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સોફ્ટવેર એન્જિનિયર, રોબોટિક્સ એન્જિનિયર અને સ્પેસક્રાફ્ટ ઓપરેટર તરીકે કામ કર્યું છે. 2014થી 2017ના ગાળામાં તેમણે સ્પેસ સ્ટેશનના ફ્લાઇટ ડિરેક્ટર અને 2021માં ‘નાસા’ના હેડ ક્વાર્ટર ખાતે એક્સ્પ્લોરેશન સિસ્ટમ્સ ડેવલપમેન્ટ મિશન ડાયરેક્ટરેટમાં આસિસ્ટન્ટ ડેપ્યુટી એસોસિએટ એડમિનિસ્ટ્રેટરની ભૂમિકા ભજવી હતી.
એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જણાવ્યું હતું કે, ‘અત્યારે શોધ અથવા એક્સ્પ્લોરેશનનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. નાસાનું આ મિશન મંગળ પર આગામી મોટી શોધની દિશામાં કામ કરશે.’ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ‘મૂન ટુ માર્સ પ્રોગ્રામ ઓફ્સિ નાસાને અમારા ચંદ્ર અને મંગળના હિંમતભર્યા મિશન માટે તૈયાર કરશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter