અમદાવાદ: દક્ષિણ ભારતમાં પોતાને અવતારી પુરુષ ગણાવતા સ્વામી નિત્યાનંદના અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી યોગિની સર્વજ્ઞાપીઠમમાં તાજેતરમાં તામિલનાડુના પરિવારને તેમની દીકરીઓને મળવા ન દેવાતા વાલીઓ અને આશ્રમના સંચાલકો વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું. વિવેકાનંદ નગર પોલીસે આ મામલે આશ્રમના સ્થાપક નિત્યાનંદ અને બે મહિલા સન્યાસી બે મહિલા સન્યાસિનીઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાઓ સામે ગુનો નોંધ્યો હતો. અંતે ચાર બાળકોમાંથી બે બાળકોની પિતાને કસ્ટડી મળી પરંતુ આશ્રમમાંથી ગુમ થયેલી બે દીકરીઓ સંદર્ભે જાણવાજોગ અરજી નોંધીને પોલીસે વધુ તપાસ આદરી હતી. પોલીસે ત્યારે જણાવ્યું કે, સ્વામી નિત્યાનંદ અને બંને સંન્યાસી મહિલાઓ સામે અપહરણ, ધમકી, મારામારી, જાનથી મારી નાંખવાની ધમકી અને ચાઈલ્ડ લેબર એક્ટ સહિતના ગુના નોંધાયા હતા. પોલીસમાં ફરિયાદ કરનાર તામિલનાડુના રહીશ અને ચાર બાળકોનાં પિતા જનાર્દન શર્માએ જણાવ્યું કે, તેઓ નિત્યાનંદ આશ્રમ સાથે તેઓ સંકળાયેલા છે અને આશ્રમમાં તેમનાં ચાર બાળકો અંગે તપાસ કરવા તેઓ હાથીજણ આશ્રમે આવ્યા હતા. આશ્રમની જ અન્ય એક યુવતી બેંગલુરુથી અમેરિકા ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
હાઈ કોર્ટમાં અરજી
બે દીકરીઓ લાપતા થવાના કિસ્સામાં પિતાએ ગુજરાત હાઇ કોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું. હાઇ કોર્ટના રજિસ્ટ્રી વિભાગે અરજી ફાઇલ કરી હતી અને અરજીની તાત્કાલિક સુનાવણી થાય તેવી માગણી અરજદાર પિતાએ કરી હતી. પિતા જનાર્દન શર્માએ અરજીમાં જણાવ્યું કે, તેમનાં ચારેય બાળકોને સારો અભ્યાસ અને ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ મળી રહે તે હેતુથી બાળકોને બેંગલુરુની નિત્યાનંદ ગુરુકુળમાં મૂક્યાં હતાં.
વર્ષ ૨૦૧૯માં તેમને જાણ થઇ કે તેમની જાણ બહાર બાળકોને અમદાવાદમાં હાથીજણ વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના સંકુલમાં આવેલા નિત્યાનંદની યોગિની સર્વજ્ઞાપીઠમ્ લઇ જવામાં આવ્યા હતા. જેથી આ બાળકોનાં માતા-પિતા તેમનાં બાળકોને મળવા પાંચમી ઓક્ટોબરે અમદાવાદ આવ્યા હતા. બાળકો આધ્યાત્મિક અવસ્થામાં હોવાથી તેમને મળવાની આશ્રમમાંથી ના કહેવામાં આવી હતી. ત્યારબાદ માતા-પિતા ફરી નવેમ્બર મહિનામાં બાળકોને મળવા આવ્યા ત્યારે પણ બાળકોને મળવા દેવાયા નહીં તેથી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરાઈ હતી.
બે બાળકોની કસ્ટડી મળી
તાજેતરમાં નવેમ્બરમાં અંતે સગીર વયના એક દીકરા અને દીકરીની કસ્ટડી જનાર્દન શર્માને મળી ગઈ જ્યારે ૨૧ વર્ષની દીકરી લોપામુદ્રા અને ૧૯ વર્ષની નંદિતા અંગે પિતાને ચિંતા છે. માતા-પિતા પાસે આવ્યા બાદ પણ સગીર વયના બંને બાળકો ગભરાયેલા હતા અને કંઇ બોલવા તૈયાર નહોતા. જોકે બાળકોએ પછીથી માતા-પિતાને કહ્યું હતું કે, તેઓ મળવા આવ્યા ત્યારે તે આશ્રમ નજીકની પુષ્પક સોસાયટીના મકાન નંબર-૧૦૭માં હતા. ત્યાં સગીર વયના તેમજ પુખ્ય વયના અન્ય બાળકોને પણ ગોંધી રખાયા હતા. ત્યાં તેમને ઊંઘવાની પણ પરવાનગી નહોતી અને માર મારવામાં આવતો હતો.
આ બાળકોનો નિત્યાનંદના સોશિયલ મીડિયામાં પ્રચાર દ્વારા દાન એકત્ર કરવા ઉપયોગ કરવામાં આવતો હોવાનું બાળકોએ જણાવ્યું હતું. બે બાળકોની કસ્ટડી મળી પરંતુ બે દીકરીઓ ગુમ હોવાની ચિંતા સાથે પિતાએ પોલીસમાં બંને દીકરીઓને મેળવવા અરજી કરી હતી. આમ છતાં બંને દીકરીઓની કંઈ ખબર ન મળતાં પિતા જનાર્દન શર્માએ હાઇ કોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી.
આશ્રમ અંગે કેટલાક ખુલાસા
• હાથીજણના આશ્રમ વિવાદમાં આવવા સાથે છેલ્લા કેટલાક દિવસથી આશ્રમ અંગે નવા ખુલાસા આવતા રહે છે.
• આ આશ્રમમાં યુવતીઓ અને બાળકોને રખાયા અને અહીં રહેતા બાળકોનાં દિલ્હી પબ્લિક સ્કૂલ, અમદાવાદમાં એડમિશન પણ કરાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ડીપીએસની સ્કૂલ બસમાં જ બધી હેરફેર થતી હોવાની શંકા પણ ઉપજી છે.
• એવામાં આશ્રમની લાઈફ સ્ટાઈલ વિશે જાણવાનુ મન થાય તો એ જાણીને તમને ખુબ નવાઈ લાગશે કે, આશ્રમવાસીઓ એકદમ હાઈટેક છે.
• સ્વામી નિત્યાનંદ આશ્રમની અંદરના દૃશ્યો હાઈટેક દેખાય છે.
• આશ્રમમાં નિત્યાનંદ ઈન્દ્રની જેમ સભા ભરે છે. કિશોરીઓ અને યુવતીઓ નિત્યાનંદને ભગવાન શિવ કહે છે અને પોતાને કૈલાસવાસી કહે છે. દરેક બાબાના અનુયાયીઓની જેમ જ નિત્યાનંદના અનુયાયી પણ કટ્ટર છે.
• કહેવાય છે કે નિત્યાનંદ બાળકોને ખાસ ટાર્ગેટ બનાવે છે અને ધ્યાન કર્મ પુરાણોની વાતો કરીને ભરમાવે છે. તે નવી જનરેશનને સોશિયલ મીડિયા અને અવનાવા ગેઝેટથી આકર્ષે છે.
• હાથીજણ આશ્રમમાં બાળકોને ગુજરાતી ભોજન અપાય છે, પણ તમામ બાળકોને જમવામાં અનાજ સિવાય પણ કોઈ દ્વવ્ય અપાતું હોવાની શંકા છે.


