અમદાવાદઃ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં બેગેજ હેન્ડલરની ફરજ બજાવનારો યુવક તાજેતરમાં જ રૂ. આઠ કરોડનું ૨૪.૫ કિલો સોનું દાણચોરીથી બહાર લઈ જતાં પકડાયો છે. તે છેલ્લા કેટલાય વર્ષોથી એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતો હતો! બેગેજ હેન્ડલર જિજ્ઞેશ સાવલિયાએ એવો ઘટસ્ફોટ કર્યો કે તેણે પાછલા પાંચ વર્ષમાં રૂ. ૧,૩૦૦ કરોડની કિંમતનું ૪,૦૦૦ કિલો જેટલું સોનું બેફિકરાઈથી શહેરમાં ઘુસાડ્યું છે. ત્રીજી જૂને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાંથી ઉતરેલા એક પ્રવાસીની બેગ એરપોર્ટ બહાર લઈ જતાં ઝડપાયેલા બેગેજ હેન્ડલર જિજ્ઞેશની કસ્ટમ્સના અધિકારીઓને સઘન પૂછપરછ કરતાં મામલો બહાર આવ્યો. િજજ્ઞેશના ઘરે સર્ચ ઓપરેશનમાં ડાયરી મળી. જેમાં બધો હિસાબ હતો. તેણે અત્યાર સુધી સોનાના જથ્થો માણેકચોકમાં અખંડજ્યોત જ્વેલર્સ ધરાવતા ઋતુગા ત્રિવેદીને પહોંચાડ્યો તેની સિલસિલાબંધ નોંધ ડાયરીમાં હતી. જિજ્ઞેશને સોનું એરપોર્ટ બહાર કાઢતાં પ્રતિ કિલો સોનાએ રૂ. ૫ હજાર જ્વેલર્સ તરફથી આપવામાં આવતા હતા.

