‘પાટીદાર સમાજના ૧૪ લોકોને ભરખી ગયો છું...’ ઃ હાર્દિક પટેલને સભામાં ફડાકો પડ્યો

Wednesday 24th April 2019 06:44 EDT
 
 

અમદાવાદઃ લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રમાં આવતાં વઢવાણના બલદાણા ગામે એક યુવાને મંચ પર ચઢી જઈને હાર્દિક પટેલને તમાચો મારી દીધો હતો. ‘પાટીદાર સમાજના ૧૪-૧૪ લોકોને ભરખી ગયો છું...’ તેમ કહીને અચાનક લાફો મારતાં હાર્દિક ડઘાઈ ગયો હતો. આ ઘટનાના પગલે કોંગ્રેસની જાહેર સભામાં અરાજકતા ફેલાઈ હતી. જોકે જોતજોતાંમાં લોકોએ તમાચો મારનારા યુવાનને ઝબ્બે કરીને ઢોરમાર માર્યો હતો અને તેના કપડાં પણ ફાડી નાંખ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત હુમલાખોર યુવાનને હોસ્પિટલે ખસેડાયો હતો.
હુમલો કરનાર યુવાન ઉત્તર ગુજરાતના કડીનો વતની હોવાનું અને તેનું નામ તરુણ મનુભાઇ ગજ્જર હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘટના સંદર્ભે હાર્દિકે વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ૧૯ એપ્રિલે હાર્દિક બલદાણામાં સભા સંબોધી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
હુમલા બાદ હાર્દિકે કહ્યું હતું કે, મને ડરાવવા, ધમકાવવા માટે ભાજપ પ્રયત્નો કરે છે. મારી હત્યાનું કાવતરું ઘડાયું છે. આ લોકોને માફ કરી દો. આતંકવાદી જેવું કૃત્ય ન કરો. ભાજપ સિવાય આ કોઈનું કામ નથી. કડીના જાસલપુર ગામનો તરુણ ગજ્જર ભાજપના સ્થાનિક શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતનો પણ સભ્ય છે. ઘટના બાદ સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓ સાથેની અનેક તસવીરો પણ વાઇરલ થઈ હતી.

યુવાને લાફો કેમ માર્યો?

તમાચો મારનારા તરુણે આક્રોશભેર કહ્યું હતું કે, મેં તમાચો માર્યો એનો જરાય વસવસો નથી કારણ કે હાર્દિક પાટીદાર સમાજના ૧૪ યુવાનોને ભરખી ગયો છે. પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિકે હિટલરની જેમ વર્તન કરીને જે અરાજકતા અને અંધાધૂધી ફેલાવી હતી તેના લીધે મારા સહિત સામાન્ય જનતાને ઘણું સહન કરવું પડ્યું હતું. મને અને મારા પરિવારને ખૂબ તકલીફ પડી છે.
પાટીદાર આંદોલન સમયે મારી પત્ની પ્રેગનન્ટ હતી. ગુજરાત બંધ સમયે મારી પત્નીની મિસડિલવરી થાય તેવી સ્થિતિ હતી, મારો પુત્ર બીમાર હતો ત્યારે મારે સારવાર અને દવા મેળવવા ભારે તકલીફો વેઠવી પડી હતી. આથી ત્રણ વર્ષ પહેલા જ હુમલાનો નિર્ણય લઈ લીધો. છેલ્લી ત્રણ-ચાર સભાથી તમાચો મારવા પ્રયત્ન કરી રહ્યો હતો. તે પોતાને હિટલર સમજે છે. હું વિરોધ ચાલુ જ રાખીશ ભલે મરી જવું પડે. મને કશો જ ફરક પડશે નહીં.

હાર્દિક માટે બોધપાઠ

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે આંદોલન વખતે એવું નિવેદન આપ્યું હતું કે, જો હું રાજકારણમાં જોડાઉં તો લાફો મારી દેજો. ગયા શુક્રવારે તેને જે રીતે લાફો પડયો તેને પગલે પાટીદારોમાં એવી ચર્ચા ચાલી હતી કે જે ઘટના બની એ હાર્દિક માટે બોધપાઠ સમાન છે.

આક્ષેપ-પ્રતિઆક્ષેપ

હાર્દિકને તમાચો મારવાની ઘટના બાદ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સત્તા ટકાવવા ગુંડાગીરીનો આશરો લઇ રહ્યો છે. હુમલો કરનાર યુવાન ભાજપના પૂર્વ સાંસદ જયશ્રી પટેલ સાથે નિકટનો સંબંધ ધરાવે છે. જ્યારે ભાજપ આગેવાનોએ કહ્યું હતું કે ઘટનાને ભાજપથી કોઈ લેવાદેવા નથી. યુવાન ભાજપનો કાર્યકર નથી. હાર્દિકે પબ્લિસિટી માટે સ્ટંટ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter