‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાઈરલ થતાં વિવાદ

Wednesday 15th November 2017 07:01 EST
 
 

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના આગેવાન હાર્દિક પટેલનો એક યુવતી સાથે સેક્સ માણતો એક કથિત વીડિયો વાયરલ થયા પછી ૧૩મી નવેમ્બરે બપોરે યૂ ટયૂબ પર અપલોડ કરાયેલો બીજો એક વીડિયો પણ વાયરલ થયો હતો. થોડાક જ સમયમાં જોકે વીડિયો યુ ટ્યૂબ પરથી હટાવી લેવાયો હતો. બન્ને વીડિયો પર ૧૬મી મે, ૨૦૧૭ની તારીખ અને રાત્રિના આશરે ૯.૧૫થી ૯.૪૦ વાગ્યાનો સમય દેખાતો હતો.
વીડિયોના પ્રથમ ભાગમાં હાર્દિક અને યુવતી કોઈ હોટેલ રૂમમાં ગુજરાતીમાં વાત કરતા હતા. થોડા સમય પછી હાર્દિક પોતે લાઇટ બંધ કરી યુવતી સાથે અંગત પળો માણવાની શરૂઆત કરતો હોય એવું વીડિયોમાં લાગતું હતું. વીડિયોના બીજા ભાગમાં હાર્દિક જે હરકતો કરતો જોવા મળ્યો તે અત્યંત અશ્લિલ અને શરમજનક હતી. વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે આ વીડિયો વાયરલ થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં હાર્દિકના એક મિત્રએ જ આક્ષેપ કર્યો હતો કે, હાર્દિકે દિલ્હીથી કોઈ યુવતી માટે ખરીદી કરી હતી. આ યુવતીને હાર્દિક પોતાની પત્ની ગણાવી રહ્યો હતો એટલું જ નહીં મસૂરીની એક હોટેલમાં હાર્દિક અને એક યુવતી રોકાયા હતા એવો આક્ષેપ પણ હાર્દિક પર કરાયો હતો. એ પછી ખુદ હાર્દિક પટેલે એવું નિવેદન પણ કર્યું જ હતું કે, થોડા દિવસોમાં મારી સેક્સ સીડી બહાર આવશે.
મારી વિરુદ્ધ ગંદી રાજનીતિ રમાય છે: હાર્દિક પટેલ
હાર્દિકે વીડિયો અંગે જણાવ્યું હતું કે, મને બદનામ કરવા માટે ગંદી રાજનીતિ રમાય છે. આ કાવતરું છે. સત્તાધીશોના ઈશારે આ બધું થાય છે. બેંકોકથી આવા વીડિયો તૈયાર કરાય છે. ગુજરાતમાં આંદોલનને કારણે પરિવર્તનની રાહ જોવાઈ રહી છે ત્યારે આવા આક્ષેપો તો લાગવાના જ છે.
હાર્દિકમાં સરદારનું ડીએનએ, તે આવું ન કરે: શક્તિસિંહ ગોહિલ
પૂર્વ વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલે આ વીડિયો અંગે કહ્યું કે, હાર્દિકમાં સરદાર સાહેબના ડીએનએ છે. તે આવી હરકત ન કરી શકે. સીડી પાછળ ભાજપની હલકી મનોવૃત્તિ જવાબદાર છે. આ એક ગુનાઈત કૃત્ય છે. આ મનોવૃત્તિ સામે કેસ દાખલ થવો જોઈએ.
જો વીડિયો ખોટો હોય તો હાર્દિક પોલીસમાં ફરિયાદ કરેઃ મનસુખ માંડવિયા
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આ વીડિયો અંગે જણાવ્યું છે કે, જો આ વીડિયો ખોટો હોય તો હાર્દિક પટેલે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. માંડવિયાએ કહ્યું છે કે, હાર્દિકના ડીએનએની સરખામણી સરદાર પટેલના વારસદારો સાથે કરીને કોંગ્રેસ સરદારના વારસદારોનું પણ અપમાન કરે છે. કોંગ્રેસ જે રીતે હાર્દિકને બચાવવા તેના સમર્થનમાં આવી છે તે ખૂબ દુઃખદ છે. કોંગ્રેસ આવી લાંછનરૂપ ઘટનાને શા માટે સમર્થન આપે છે? ભાજપ ઉપર આક્ષેપ કરવાને બદલે કોંગ્રેસે વીડિયો બાબતે ફરિયાદ કરવી જોઈતી હતી. હાર્દિકનું સમર્થન શા માટે કરવું જોઈએ એ સમાજને સમજાતું નથી! આવી ક્ષોભજનક ઘટનાનું કોંગ્રેસ કેમ સમર્થન કરે છે તે કોંગ્રેસે જનતા સમક્ષ સ્પષ્ટ કરવું જોઈએ તેવી માગણી પણ ભાજપના નેતા મનસુખ માંડવિયાએ કરી હતી.
હાર્દિક સાબિત કરે કે વીડિયો ખોટો છે, બાકી હું પાસના કન્વીનરોની કાળી બાજુ ખોલીશઃ અશ્વિન સાંકડાશેરિયા
દિલ્હીમાં વર્ષ ૨૦૧૨થી પાટીદારો માટે અનામત અભિયાન ચલાવી રહ્યા હોવાનું જણાવતા પાટીદાર આરક્ષણ સમિતિના રાષ્ટ્રીય સંયોજક ગુજરાતી અશ્વિન સાંકડાશેરિયાએ આ વીડિયો અંગે કહ્યું હતું કે, જો ચાર દિવસમાં હાર્દિક પટેલ સાબિત નહીં કરે કે આ વીડિયો ખોટો છે તો હું પાસ કન્વીનરોને ઊઘાડા પાડીશ. અશ્વિન સાંકડાસરિયાએ એવું પણ કહ્યું છે કે યુ-ટ્યૂબ ઉપર મૂકેલા હાર્દિકના કથિત વીડિયો બાબતે ભાજપને કોઈ જ લેવાદેવા નથી.
અશ્વિને કહ્યું કે, હું અત્યાર સુધી ચૂપ હતો કેમ કે આંદોલનથી સમાજનું ભલું થતું હતું. દેશમાં પહેલીવાર ગુજરાતમાં સરકારે સવર્ણ આયોગ આપ્યું. અનામત માટે પણ ન્યાયિક ઉકેલની પ્રક્રિયા ચાલે છે. છતાં તેના નામે ખુલ્લેઆમ રાજકારણ થતાં મારે બહાર આવવું પડયું છે. હાર્દિક ચારિત્ર્યનો ચોખ્ખો નથી એવું હું પહેલાથી જ કહી રહ્યો છું. તે કોઈ યુવતી સાથે મસૂરી ગયો હતો એના મારી પાસે પુરાવા છે. યુ-ટયૂબ પર જે વીડિયો વાઈરલ થયો તે ક્યાંનો છે તે હું નથી જાણતો પણ જો એ ચોખ્ખો હોય તો સાબિત કરે નહીં તો મારી પાસે ‘પાસ’ના મોરબી-સુરત કન્વીનરોએ મહિલાઓ સાથે કરેલા શોષણના પુરાવા છે તે જાહેર કરીશ.
ઉલ્લેખનીય છે કે મે, ૨૦૧૫માં હાર્દિક અને એક યુવતી માટે તેમણે મસૂરીમાં હોટલની વ્યવસ્થા કરી આપ્યાનો થોડાક સમય પૂર્વે ધડાકો કર્યો હતો.
સોમવારે બપોરે યુ-ટયૂબ ઉપર ‘હાર્દિક પટેલ એન્ડ ગેંગ’ નામના એકાઉન્ટમાંથી બે વીડિયો અપલોડ થયા બાદ અશ્વિન સાંકડાશેરિયાએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જોકે, આ વીડિયો સાથે પોતાને કોઈ જ સબંધ ન હોવાનું કહેતા આ ઘટનાક્રમને ચૂંટણી સાથે કોઈ સંબંધ ન હોવાનું પણ કહ્યુ હતું.
અશ્વિન સાંકડાશેરીયાના આક્ષેપો
૧. મસૂરીના હોટલના રજિસ્ટર, કોલડિટેઈલ્સ, લોકેશન જાહેર કરે
૨. શહિદોનો વીડિયો વાઈરલ કરે છે તો પોતાનો ચહેરો પણ દેખાડે
૩. અમે નહીં, આજના વીડિયો હાર્દિકના અંગત માણસે જાહેર કર્યો
૪. સીડી રિલેટેડ પીડિત મહિલા સાથે વાતચીતના પુરાવા મારી પાસે
૫. અનામતને નામે હાર્દિકે સમાજની દીકરીઓનું જ શોષણ કર્યું છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter