અમદાવાદઃ રાજદ્રોહના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડ પર લેવાયેલા હાર્દિક પટેલ અને તેના ત્રણ સાથીદારોની પૂછપરછમાં બહાર આવ્યું કે, હાર્દિકે ‘પાસ’ના ફંડથી સાથીઓ સાથે જલસા કર્યા છે. પાર્ટી ફંડનો વહીવટ કડીના મનુભાઇ પટેલ સંભાળતા હતા. હાર્દિક અને મનુભાઈની મિલીભગતથી હાર્દિકે ‘પાસ’ને સુરતમાંથી મળેલા રૂ. ૨૫ લાખના ફંડમાંથી રૂ. અઢી લાખ જુદી જુદી જગ્યાએ ફ્લાઇટમાં જવા માટે વાપર્યા અને કમિટીના લોકોએ આ ફંડમાંથી મોંઘાદાટ આઈફોન ખરીદ્યા.
ઉપરાંત હાર્દિકે આ રકમમાંથી મસૂરી અને આબુ જઈને મોજશોખ કર્યાં તો બોપલમાં એક ફાર્મ હાઉસમાં પાર્ટી કરી હતી. જે પાર્ટીમાં તેણે કેટલીક મહિલાઓને પણ આમંત્રણ આપ્યું હતું. વળી, હાર્દિક આબુ ગયો ત્યારે તેની પાસે રૂપિયા ખૂટી પડતાં કોઇ પાટીદાર પાસેથી રૂ. ૩૦ હજાર મગાવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે આપેલી માહિતિ અનુસાર, ‘પાસ’ને ફંડ તરીકે મળેલા રૂ. ૨૫ લાખમાંથી માત્ર રૂ. એક લાખનો જ ચોખ્ખો હિસાબ પોલીસને મળ્યો છે. અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામનારા અમદાવાદના યુવાન શ્વેતાંગ પટેલના પરિવારને પાર્ટીએ રૂ. એક લાખ આપ્યા હતા. ‘પાસ’ના ફંડની બાકી રકમનો હાર્દિકે શું ઉપયોગ કર્યો છે એ મામલેે પોલીસની તપાસ હજી જારી છે. આ કેસ મામલે જ ઈન્વેસ્ટિગેશન એજન્સીઓના સૂત્રોએ પહેલી નવેમ્બરે જણાવ્યું છે કે, ગુજરાતના ૪ પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, દિલીપ પરીખ તેમજ સુરેશ મહેતા અનામત આંદોલન દરમિયાન સતત હાર્દિક અને તેના સાથીઓના સંપર્કમાં હતા અને તેમને આંદોલનમાં સાથ આપતા હતા.