‘બારમું-તેરમું પતી ગયા પછી સેટેલાઈટથી ફોટો મળે તો હિન્દુસ્તાનને બતાવો’

Wednesday 06th March 2019 05:45 EST
 
 

અમદાવાદઃ મોરારિબાપુમાં રહેલી દેશદાઝ, દેશપ્રેમ અને દેશભક્તિ અમદાવાદમાં યોજાયેલી માનસ નવજીવન રામકથામાં ખીલી ઊઠી હતી. બીજીએ મોરારિબાપુએ એરફોર્સના પાઇલટ અભિનંદનને યાદ કરી તેના દેશપ્રેમને અને ફરજનિષ્ઠાને બિરદાવી હતી. તેમણે સીતામાતાની શોધમાં હનુમાનજી લંકામાં જઈને જે તબાહી મચાવે છે તે પ્રસંગ વર્ણવતાં ભારતીય એરફોર્સની તાજેતરની એર સ્ટ્રાઇકને યાદ કરીને કહ્યું હતું કે, બારમું તેરમું પતી ગયા પછી સેટેલાઇટથી ફોટો મળે તો હિન્દુસ્તાનને બતાવો કે ધોઈ નાંખ્યા. અભિનંદનને ૪૮ કલાક – ૫૦ કલાકમાં છોડી મૂકવો પડ્યો.
અભિનંદનને યાદ કર્યો
રાવણના દરબારમાં હનુમાનજી પાસે બોલાવવાની રાવણ કોશિશ કરે છે, પરંતુ હનુમાનજી કશું બોલતા નથી તે પ્રસંગ વખતે ફરી પાછા અભિનંદનને યાદ કરીને પાકિસ્તાને અભિનંદનને પકડ્યો તે અંગે મોરારીબાપુએ કહ્યું હતું કે કેટલું બોલાવવાની કોશિશ કરી અભિનંદન પાસે પણ કંઈ બોલ્યો નહીં.
અભિનંદનમાં રહેલી દેશદાઝને લઈને મોરારિબાપુએ કહ્યું હતું કે, આ માણસ સંદેશ આપત કે હું મરીશ જઈશ, પણ દેશને વેચીશ નહીં. મારા દેશનું નીચું નહીં પડવા દઉં, પણ એ તો સાવજ જેવો આવ્યો.
ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી વર્ષ અને નવજીવન ટ્રસ્ટના ૧૦૦ વર્ષના ઉપલક્ષમાં અમદાવાદમાં ચાલી રહેલી માનસ નવજીવન રામકથામાં મોરારિબાપુએ ગાંધીના ૧૧ વ્રતોમાંના એક એવા ‘ચોરી ના કરવી’ મુદ્દે બોલી રહ્યા હતા અને તેના પરથી પોતાના અભ્યાસ દરમિયાનનો સ્વાનુભવ કહેતા અડદિયાપાકનો કાંડ બન્યો અને એક છોકરાએ ક્લાસરૂમના બોર્ડ પર ‘હરિયાણીની રૂમમાં અડદિયો’ તેવું લખી દીધું તે બધી વાતો નિખાલસ રીતે કબૂલી હતી અને કહ્યું હતું કે, આપણો હાથ ખાવામાં હતો. હું ખાતો નથી ને ખાવા દેતો નથી એવું નથી, હું ખાતો હતો ને ખાવા દેતો હતો. આમ કહેતાં જ કથામંડપમાં હાસ્યનું મોજું છવાઈ ગયું અને મોરારિબાપુની નિખાલસતા અને પોતે જ પોતાના આપેલા ઉદાહરણને તાળીઓના ગડગડાટથી ભાવિકોએ બાપુને વધાવી લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter