અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકડાઉનના કારણે ફસાયેલા બ્રિટિશ નાગરિકો તેમજ અમેરિકન નાગરિકો - NRIઓને તેમના રહેઠાણે મોકલવા માટે તાજેતરમાં અમદાવાદથી વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં ૨૬૫ પેસેન્જરોને લંડન મોકલાયા હતા જ્યારે એર ઇન્ડિયાની બે ફ્લાઇટમાં ૧૬૬ અમેરિકન નાગરિકોને મુંબઈ મોકલાયા હતા.
બીજી ફ્લાઇટ ૯૩ પેસેન્જરો સાથે રવાના
અમેરિકન નાગરિકોને એર ઇન્ડિયાની બે ફ્લાઇટમાં અમદાવાદથી મુંબઈ મોકલાયા હતા. એર ઇન્ડિયાની પહેલી ફ્લાઈટ ૧૫મી એપ્રિલે સાંજે ૪.૩૦ વાગે ૭૩ પેસેન્જરો સાથે મુંબઈ રવાના થઈ હતી. જ્યારે બીજી ફ્લાઇટ ૧૫મીએ જ ૯૩ પેસેન્જરો સાથે સાંજે ૪.૪૫ વાગે મુંબઈ જવા રવાના થઈ હતી. જોકે અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો અને મૃત્યુદરનું પ્રમાણ પણ વધ્યું હોવાને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં રોકાયેલા ઘણા એનઆરઆઈ નાગરિકોએ અમેરિકા કરતા ભારતમાં વધુ સુરક્ષિત હોવાનું જણાવી અમેરિકા માટે જઈ રહેલી વિશેષ ફ્લાઈટમાં જવાનું ટાળ્યું હતું.