‘મહા’ની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદ થયો

Wednesday 13th November 2019 05:30 EST
 
 

ગાંધીનગરઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘મહા’ વાવાઝોડાની અસર સાતમી નવેમ્બરે સમાપ્ત થવા છતાં રાજ્યમાં ક્યાંક ક્યાંક વરસાદી માહોલ સર્જાયો હતો. સાતમીએ અમદાવાદ-ગાંધીનગરમાં હળવા ઝાપટાં પડયાં હતાં. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને તાપી જિલ્લામાં છુટોછવાયો મધ્યમ વરસાદ નોંધાયો હતો. ચરોતરમાં કાળાડિબાંગ વાદળો બાદ વરસાદી ઝાપટાં પડયા હતા. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સાતમી નવેમ્બરે સવારે છથી આઠ વાગ્યા સુધીના બે કલાકમાં ભારે પવન અને ગાજવીજ સાથે બે ઇંચથી વધુ ૫૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
સુરત શહેરમાં પણ આ દિવસે અને આ જ સમય દરમિયાન જોરદાર ઝાપટું નોંધાયું હતું તાપી જિલ્લામાં સાતમી નવેમ્બરે ઉચ્છલ, નિઝર અને કૂકરમુંડામાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ભરૂચ જિલ્લામાં ૪૨ મિ.મી. વરસાદ વરસ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘મહા’ વાવાઝોડાનું જોર ઘટી જતાં સૌરાષ્ટ્ર પર સર્જાયેલું સંકટ ટળી ગયું હતું, પણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમેરેલી, પોરબંદર, દ્વારકામાં અડધાથી ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દીવમાં સાતમીએ ગાજવીજ સાથે ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. જાફરાબાદમાં સાતમીએ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને બપોર સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વડોદરામાં પણ ‘મહા’ વાવાઝોડાની અસર જોવા મળી હતી. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડયો હતો. ‘મહા’ વાવાઝોડાની અસર પંચમહાલ જિલ્લામાં પણ વર્તાઇ હતી. જિલ્લાના ગોધરામાં એક ઈંચ અને કાલોલમાં અડધો ઈંચ વરસાદ ખાબકયો છે. ગોધરામાં સાતમીએ એક ઈંચ વરસાદ પડયો હતો. ફતેપુરા, દેવગઢ બારિયા અને લીમખેડા પંથકમાં છુટો છવાયો વરસાદ નોંધાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter