લેફ. જનરલ (નિવૃત્ત) અસિત મિસ્ત્રી ફેબ્રુઆરી 2020માં પહેલીવાર નાના પાટેકરને મળ્યા ત્યારે તેમને ક્યાં ખબર હતી કે અભિનેતાની આ ઔપચારિક મુલાકાત ગાઢ મિત્રતાની શરૂઆત બની રહેશે.
અમદાવાદ સ્થિત નિવૃત્ત આર્મી અધિકારીએ નાના પાટેકરને યાદ કરતાં કહ્યું, ‘મેં પૂણેના ખડકવાસલામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ના કમાન્ડન્ટ તરીકેનો કાર્યભાર હજુ સંભાળ્યો જ હતો. નાના NDAની બિલકુલ સામે, ખડકવાસલા તળાવની પેલે પાર આવેલા એક ફાર્મહાઉસમાં રહેતા હતા. જ્યારે પણ નવા કમાન્ડન્ટની નિમણૂક થાય ત્યારે તેમને મળવા અને શુભેચ્છા પાઠવવાની તેમની પરંપરા હતી.’
બંને વચ્ચે ટૂંક સમયમાં જ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીને કારણે એક જોડાણ સર્જાયું. પાટેકરે ફિલ્મ ‘પ્રહાર’ માટે આ જ રેજિમેન્ટ સાથે તાલીમ લીધી હતી. મિસ્ત્રી કહે છે, ‘આ રીતે અમે એકબીજાની નજીક આવ્યા અને સારા મિત્રો બની ગયા. હું પૂણેમાં રહ્યો તે બે વર્ષ દરમિયાન અમે અવારનવાર મળતા હતા.’
કોઈ જાતનો દેખાડો નહીં
પડદા પરની તેમની દમદાર હાજરીથી તદ્દન વિપરીત રોજિંદા જીવનમાં નાના પાટેકરની સાદગી મિસ્ત્રીના મનમાં સૌથી વધુ અંકાઈ ગઈ છે. તેમણે કહ્યું, ‘તેમનામાં જરાય દેખાડો નહોતો. તેમની આસપાસ કોઈ કાફલો કે અંગત સ્ટાફ પણ નહોતો.’ પાટેકર પોતાના ફાર્મહાઉસ પર આવતા મહેમાનોનું જાતે જ સ્વાગત કરતા તે વાતને યાદ કરતાં તેમણે કહ્યું ‘જ્યારે પણ તેઓ મને અને મારા સાથીદારોને આમંત્રણ આપતા, ત્યારે અમારું સ્વાગત કરવા તેઓ ફાર્મના દરવાજા પર ઊભા રહેતા. તેમના હાથમાં હંમેશાં નીચે ઘૂંઘરુ લગાવેલી એક લાકડી રહેતી. સાપોને દૂર રાખવા માટે તેમણે આ રીત અપનાવી હતી. તેમનું માનવું હતું કે સાપોને ઘૂંઘરુના કંપનનો અહેસાસ થશે અને તેઓ દૂર ખસી જશે.’
પ્રકૃતિ પ્રત્યેનો નાનાનો પ્રેમ તેમનાં ફાર્મ હાઉસમાં રહેતાં શેરીનાં શ્વાન પ્રત્યેના લગાવમાં પણ જોવા મળતો. અસિત મિસ્ત્રી જણાવે છે, ‘તેમને પોતાનાં ફાર્મની સંભાળ રાખવી ખૂબ ગમતી હતી અને શેરીનાં શ્વાનની સંભાળ રાખવાનો પણ તેમને ઘણો શોખ હતો. તેમનાં ઘરે ઓછામાં ઓછા સાત-આઠ શ્વાન હતાં.’
નાના પાટેકરની શિસ્ત અને વિવિધ પ્રકારની રુચિઓએ પણ અસિત મિસ્ત્રીને પ્રભાવિત કર્યા હતા. “તેઓ પોતાની ફિટનેસ અંગે ખૂબ જ સભાન હતા. તેમનાં ફાર્મહાઉસમાં સંપૂર્ણ સુવિધાઓ ધરાવતું જિમ હતું અને તેઓ દરરોજ કસરત કરતા. તેઓ ખૂબ જ વાંચનપ્રેમી હતા, સંગીત અને રસોઈનાં પણ ખૂબ શોખીન હતા. તેઓ એક બહુમુખી પ્રતિભા ધરાવતા માનવી હતા.’
જોકે, મિસ્ત્રી માટે નાના પાટેકરને ગુમાવવાનું દુઃખ અંગત છે. તેઓ કહે છે, ‘દુનિયા ભલે કહે કે તેમણે એક જાણીતા ફિલ્મ સ્ટાર કે અભિનેતાને ગુમાવ્યો છે, પરંતુ મેં અંગત રીતે એક સારા મિત્રને ગુમાવ્યો છે.’


