અમદાવાદઃ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ ૩જી મેએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે, ૨૩મી મેના રોજ ભાજપ કેન્દ્ર અને ગુજરાતમાં એમ બંને જગ્યાએ સત્તામાંથી હાથ ધોઈ બેસશે. ગુજરાતમાં સરકાર તૂટી જાય એટલા ભાજપના ધારાસભ્યો મારા સંપર્કમાં છે. ભાજપના ધારાસભ્યો ૨૩મી મે એ રાજીનામાં ધરશે.
શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો છે કે, ભાજપના ધારાસભ્યો તેમને મળ્યા છે અને ઈચ્છા વ્યક્ત કરી છે કે, તેઓ ભાજપ સાથે રહેવા ઈચ્છતા નથી. ભાજપના જ ધારાસભ્યોએ મને કહ્યું છે કે, તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માગે છે. તેઓ ભાજપની સાથે સાથે સરકાર પણ છોડી દેવા માગે છે. ભાજપના ધારાસભ્યોની ફરિયાદ હતી કે, તેઓ અત્યારે બાંધિયા મજૂર હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. તેમની કોઈ વાત સાંભળવામાં આવતી નથી. ફરિયાદો ઉપર કોઈ ધ્યાન અપાતું નથી. ભ્રષ્ટાચારની ફરિયાદ હોય તો તેની ઉપર પણ ધ્યાન અપાતું નથી. ગુજરાતમાં મોટા ભાગના ધારાસભ્યો લાંબા સમયથી દુઃખી છે.
એનસીપીના મહામંત્રી શંકરસિંહે જણાવ્યું હતું કે, ગુજરાત જ નહિ મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્યો પણ તેમના સંપર્કમાં છે. ૨૩મી મેએ ભાજપ સરકારને પાડી દેવા ભાજપના જ ધારાસભ્યો પૂરતાં થઈ જશે.
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ સરકાર બદલાઈ જશે. ભગવો પોષાક લોકસભાની ચૂંટણી હારી જવાનો છે. ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલા લોકસભા ચૂંટણી પહેલાં ૨૯મી જાન્યુઆરીએ અમદાવાદમાં એનસીપીમાં જોડાયા હતા. વર્ષ ૨૦૧૭ની રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસ પક્ષથી છેડો
ફાડયો હતો.


