‘લંકેશ’ અરવિંદ ત્રિવેદી રામશરણ

Wednesday 13th October 2021 02:47 EDT
 
 

મુંબઇઃ લંકાના અધિપતિ લંકેશ એટલે કે રાવણની નકારાત્મક, પરંતુ યાદગાર ભૂમિકા ભજવીને લોકોના હૈયે વસી ગયેલા કલાકાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી માંદા હતા અને સારવાર હેઠળ હતા. પાંચમી ઓક્ટોબરે મોડી રાત્રે હાર્ટ એટેક આવતાં તેઓ જીવનની લડાઈ હારી ગયા.
અરવિંદ ત્રિવેદીએ મોટા પડદે અને નાના પડદે, હિન્દી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોમાં અનેક ભૂમિકાઓ ભજવી હતી. જોકે રામાનંદ સાગરની ટીવી સિરીયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને તેમણે સૌથી વધુ લોકપ્રિયતા મેળવી હતી. ‘રામાયણ’માં ભલે તેમણે રાવણનું પાત્ર ભજવ્યું હોય, પરંતુ રિયલ લાઇફમાં તેઓ ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હતા. તેઓ રાવણનો મેકઅપ કર્યા બાદ શ્રીરામ સમક્ષ નતમસ્તક ઉભા રહી આ ભૂમિકા ભજવવા બદલ માફી માગતા હતા, અને પછી અભિનયનો આરંભ કરતા હતા.
ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચારથી ફિલ્મઉદ્યોગથી માંડીને તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ‘રામાયણ’ સિરીયલના ‘લંકેશ’થી અરવિંદ ત્રિવેદી ઘર ઘરમાં જાણીતા હતા. મૂળ સાબરકાંઠા ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્ય પ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સનાં સુપરસ્ટાર હતાં. અરવિંદ ત્રિવેદીના ગામ સાબરકાંઠાના કુકડીયામાં નિધનના સમાચાર પહોંચતા જ શોકનો માહોલ છવાયો હતો.
અરવિંદ ત્રિવેદીએ ૩૦૦ ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેમાં ‘સંતુ રંગીલી’, ‘હોથલ પદમણી’, ‘કુંવર બાઇનું મામેરૂં’, ‘જેસલ-તોરલ’ અને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે. આ સિવાય તેમણે ‘પરાયા ધન’, ‘આજ કી તાજા ખબર’ જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે.
અરવિંદ ત્રિવેદીના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વિટ કરીને લખ્યું છે કે આપણે અરવિંદ ત્રિવેદીને ગુમાવી ચૂક્યા છીએ. એક અસાધારણ અભિનેતા હોવાની સાથે તેમનામાં લોકોની સેવા પ્રત્યેનું પણ ઝનૂન હતું. ભારતીયો તેમણે રામાયણ ટીવી સિરિયલમાં તેમના કરેલા કામ બદલ યાદ કરશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ અરવિંદ ત્રિવેદીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમની સાથેનો એક ફોટો પણ ટ્વિટ કર્યો હતો.
મહાત્મા ગાંધીના પૌત્રને હરાવ્યા
લોકપ્રિયતાની ટોચે પહોંચ્યા પછી તેઓ ચુંટણી લડયા હતા. તેમણે ગુજરાતના સાબરકાંઠાની લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝૂકાવ્યું હતું અને સામે મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. બધાને લાગતું હતું કે ગાંધીજીના પૌત્રની સામે રાવણ તરીકે જાણીતા અરવિંદ ત્રિવેદી શી રીતે જીતી શકશે! પરંતુ તેમણે પોતાના પહેલા જ ભાષણમાં મંચ ઉપરથી કહ્યુંઃ હું રામમંદિરના નામે રાજકારણમાં આવ્યો છું. રામનો વિરોધ કરવાનું પરિણામ મારા કરતાં વિશેષ કોણ જાણી શકે? એમના આ શબ્દોએ જાદુઈ કામ કર્યું.
‘લંકેશ’ સ્વરૂપે તેમના યાદગાર અભિનયના કારણે પ્રેક્ષકો આમ પણ અરવિંદના ચાહક બની ગયા હતા. તેઓ ‘લંકેશ’ના આ ભાષણથી ઓવારી ગયા. તેમણે ‘લંકેશ’ને ખોબલે ખોબલે વોટ આપ્યા. અરવિંદ ત્રિવેદી ૧.૬૮ લાખની જંગી સરસાઈથી જીતી ગયા. બીજી લોકસભા ચુંટણીમાં અરવિંદ ત્રિવેદી ફરીથી આ જ બેઠક ઉપરથી ચુંટણી લડયા, પરંતુ આ વખતે રાવણ તરીકેની લોકપ્રિયતા ઓસરી ગઈ હતી.
રાજકારણમાં તેમની ભૂમિકા જનતાને કદાચ પ્રભાવશાળી ન લાગી. તેથી જનતાએ કોંગ્રેસના નીશા અમરસિંહ ચૌધરીને જીતાડી દીધા. અરવિંદ ત્રિવેદી હારી ગયા. ચુંટણી હાર્યા પછી અરવિંદ ત્રિવેદીએ રાજકારણને કાયમ માટે અલવિદા કરી દીધું અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય પર ધ્યાન આપ્યું.
‘દેશ રે જોયા, દાદા પરદેશ જોયા’ ફિલ્મમાં દાદાની ભૂમિકામાં અરવિંદ ત્રિવેદીને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યા હતા, છતાં અરવિંદ ત્રિવેદીએ એ ફિલ્મ પછી અભિનયને પણ અલવિદા કરી દીધું. અરવિંદ ત્રિવેદીએ હિન્દી-ગુજરાતી મળીને ૩૦૦ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ગુજરાતી ફિલ્મલોમાં એમનું યોગદાન કદી ભુલાશે નહીં. વર્ષો સુધી ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરીને પ્રેક્ષકોમાં ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.
રાવણનો રોલનો વિચાર જ નહોતો
અરવિંદ ત્રિવેદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ રાવણના રોલ માટે ગયા જ નહોતા. તેઓ તો રામને નદી પાર કરાવનાર હોડીવાળા કેવટની ભુમિકા માટે ઓડિશન આપવા માટે ગયા હતા. ઓડિશન દરમિયાન તેઓ થોડાંક ડગલાં ચાલ્યા કે તરત રામાનંદ સાગરે બૂમ પાડી હતી કે આ તો ‘લંકેશ’ છે! પછી અરવિંદને રાવણની ભૂમિકા જ ભજવવી પડી હતી. અરવિંદ ત્રિવેદીની કરિયરમાં આ એકમાત્ર નકારાત્મક ભૂમિકા છે.
અંગત જીવનમાં ‘રામ’ના મિત્ર
રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલે અનેક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે અરવિંદ ત્રિવેદી પડદા ઉપર ભલે મારા કટ્ટર દુશ્મન તરીકે ગર્જનાઓ કરતા, પરંતુ અંગત રીતે ખૂબ જ સહૃદય મિત્ર છે. સીન કટ થતાં જ અમે બેસીને મસ્તી કરીએ છીએ. અરવિંદ ત્રિવેદી અરુણ ગોવિલને હંમેશા ‘પ્રભુ’ કહીને જ બોલાવતા હતા.
અને સીતાને પૂછ્યુંઃ આપ કો લગા તો નહીં!
‘રામાયણ’ સિરીયલમાં સીતામાતાની ભુમિકા કરનાર કલાકાર દીપિકા ચીખલિયાએ પણ અનેક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે સીતા અપહરણ સીનના શુટિંગ વખતે ‘લંકેશ’ અરવિંદ ત્રિવેદીને કહેવામાં આવ્યું હતું કે સીન વાસ્તવિક લાગે એ માટે તેમણે મારા વાળ પકડીને મને ખરેખર ખેંચવાની છે. જોકે તેઓ બીજાની એટલી સંભાળ લેનારા હતા કે મારા વાળ પકડીને જરાક ખેંચીને પૂછવા લાગ્યા ‘આપ કો લગા તો નહીં?’ એમની આ સહૃદયતાના કારણે અનેક રીટેક કરવા પડયા. આખરે ડાયરેક્ટરે તેમને કહ્યું, અરવિંદજી દીપિકા કી ચિંતા છોડીયે, અપને અભિનય પર ફોકસ કીજિયે.
પણ આ ઇચ્છા અધૂરી જ રહી ગઇ
તેઓ ‘રામાયણ’ ઉપરાંત વિક્રમ-વેતાળ અને વિશ્વામિત્ર ટીવી સિરીયલોમાં અભિનય કરી ચૂક્યા છે. તેમને સ્વામી વિવેકાનંદની ભૂમિકા ભજવવાની અદમ્ય ઈચ્છા હતી, જે અધૂરી રહી ગઈ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter