અમદાવાદઃ એ કાપ્યો એ કાપ્યો લપ્પેટ લપ્પેટ.... ની ચીચીયારીઓથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે અગાશીઓ ગાજી ઊઠી હતી. શહેરનીજનોઓ મકરસંક્રાંતિએ કડકતી ઠંડીમાં સવારથી ધાબા ઉપર પહોંચી જઈને કાપ્યો ઢીલ આપને એ પતંગ આયોની બૂમાબૂમ કરી હતી. જોકે દર વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રમાણમાં ઓછા લોકો ધાબે ચડયાં હતાં. ઉત્તરાયણના દિવસે બપોર બાદ પવન થાપ આપીને પડી જતા પતંગ રસિયા નિરાશ થયા હતા. છેક સાંજે સાડા પાંચથી છ વાગ્યાની આસપાસ પવન પુનઃ ફુંકાતા પતંગ ચગવાનું ચાલુ થયુ હતું. સાંજે સાત વાગ્યે ચાઈનીઝ તુક્કલની સાથે લોકોએ દારૂખાનું ફોડીને આતશબાજી કરી હતી. વાસી ઉત્તરાયણના દિવસે બપોરના બે વાગ્યાની આસપાસ પવન જતા પતંગ રસિયા ફરી નિરાશ થયા હતા. બપોરના ચાડા ચાર વાગ્યાની આસપાસ પુનઃ પવન ફુંકાયો હતો. બે દિવસ લોકોએ પતંગની સાથે ઉંધિયું, જલેબી, તલ અને સીંગની ચિક્કી ખાઈને મજા માણી હતી. કોટ વિસ્તારમાં એનઆરઆઈએ ધાબા ભાડે રાખીને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ માણી હતી. પોલીસ કમિશનરે ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ લાદ્યો હોવા છતાં તેનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પતંગો ઓછા ઉડવા પાછળનું કારણ ઊંચા ભાવો અને મોંઘવારી ઉપરાંત શનિ-રવિવારની રજાનું રહ્યું હતું.
૩૦૦ પક્ષીઓનો જીવ ગયો
ઉત્તરાયણના બે દિવસ દરમિયાન ઘાતક દોરીથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ૧,૨૦૦થી વધુ પક્ષીઓ ઘવાયાં હતા અને ૩૦૦ જેટલા પક્ષીએ જીવ ગુમાવ્યો હતો.
રાજ્ય સરકારે આ વર્ષે પક્ષીઓનો જીવ બચાવવા કરુણ અભિયાન શરૂ કર્યું હતું. વન વિભાગ, ફાયર બ્રિગેડ, સામાજિક સંસ્થાઓએ પણ હેલ્પલાઈન મારફતે સેવા બજાવી હતી, આમ છતાં ગત વર્ષની સરખામણીમાં પક્ષીઓ ઘવાયાની સંખ્યામાં બે ટકા જેટલો વધારો થયો છે. ઘાયલ અને મૃતક પક્ષીઓમાં કબૂતર અને સમડીની સંખ્યા વધુ છે. ઘણા વિદેશી પક્ષીઓ પણ ઘવાયા છે. ઉપરાંત શહેરની કેટલીક સંસ્થાઓમાં વિદેશી તબીબોએ પણ ઘવાયેલ પક્ષીઓની સારવાર કરી હતી.


