‘વાયુ’એ સૌરાષ્ટ્ર - કચ્છ રઘવાયુ કર્યુંઃ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સથી અસર પછી આફત ટળી

Wednesday 19th June 2019 08:38 EDT
 
 

ગાંધીનગરઃ લક્ષદીપથી પૂરઝડપે ગુજરાતના દરિયાકાંઠા તરફ ધસી આવેલા વાવાઝોડા ‘વાયુ’ના પ્રકોપથી ગુજરાત બચી ગયું હતું. જોકે વાવાઝોડાની અસર માત્રથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભયજનક સ્થિતિ સર્જાઈ હતી. એ પછી વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈને પુનઃ કચ્છ તરફ ધસી આવતું જણાતાં તંત્ર પુનઃ સાબદું બન્યું હતું. અંતે વાવાઝોડાએ માર્ગ બદલતાં ચિંતા ટળી હતી. વાવાઝોડાએ માર્ગ બદલતાં રાજ્ય તારાજીમાંથી બચી ગયું જોકે ગુજરાત નજીકથી વાયુ પસાર થવાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા વિસ્તારમાં માઠી અસર થઈ હતી. પોરબંદર, જાફરાબાદ, સોમનાથ, વેરાવળના દરિયામાં આશરે પંદર ફૂટથી વધુ મોજાં ઉછળવા સાથે દરિયામાં કરંટ પણ નોંધાયો હતો.

૧૦મી જૂનથી આશરે ત્રણ દિવસ માટે તોળાઈ રહ્યું હતું તે ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ સદનસીબે ટળી ગયા પછી ગુજરાતના દરિયાકાંઠાથી આશરે ૧૧૦ કિમીના અંતરે ઉત્તર-પૂર્વ દિશા તરફ વળીને ઓમાન તરફ ફંટાયા પછી ફરી કચ્છ તરફ આવતાં સૌનાં શ્વાસ અદ્ધર થઈ ગયાં હતાં. જોકે વાયુએ પછીથી સદંતર દિશા બદલતાં વહીવટી તંત્ર સહિત પ્રજાએ પણ હાશકારો અનુભવ્યો હતો. વાવાઝોડાનું સંકટ ટળી ગયા છતાં રાજ્યમાં ફૂંકાઈ રહેલા ભારે પવન તથા ભારે વરસાદને કારણે દરિયો ગાંડોતૂર થયો હતો. કાંઠાના ગામોમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. માછીમારોના કાચા મકાનો ધરાશયી થયાં હતાં. હજારો વૃક્ષો ઉખડી ગયાં હતાં. હજારો વીજ-થાંભલાં પડી ગયાં હતાં. ૧૦મીથી ચારેક દિવસ દરમિયાન ૫૦૦ ગામોમાં વીજપુરવઠો અંશતઃ ખોરવાયેલો રહ્યો હતો. ૯૦૦ વીજ ફીડર બંધ હતાં. જોકે, વિવિધ ટીમ ઝડપભેર કામે લાગતાં સ્થિતિ પૂર્વવત થવા પામી હતી.

વેરાવળમાં લાંગરેલી બોટની ચિંતા

મેરિટાઈમ બોર્ડની આ જગ્યામાં ૪૨૦૦ જેટલી મોટી અને અસંખ્ય નાની બોટ લાંગરી દેવાઈ હતી. ભારે પવન અને દરિયાના મોજાંથી આ બોટને બચાવવા એકબીજાની સાથે કસોકસ બાંધી દેવાઈ હતી. જોકે કેટલીક જગ્યાએ કિનારો ધોવાતા બોટને રેસક્યુ કરાઈ હતી. મોટી ક્રેન દ્વારા આવી કેટલીય બોટને ઊંચકીને સલામત સ્થળે લઈ જવાઈ હતી. લગભગ રૂ. ૫૦ લાખની કેટલીક બોટને બચાવવા માછીમારો આખો દિવસ મથામણ કરતા રહ્યા હતા. માછીમારોનું કહેવું છે કે વાવાઝોડાના કારણે તેઓને કુલ રૂ. ૧૫થી ૨૦ કરોડનું નુકસાન થયું છે.

સોમનાથ દરિયાકિનારે ખાણીપીણીના ૩૦૦થી ૫૦૦ સ્ટોલ હતાં જેમાંથી નીચાણ વિસ્તારનાં તમામ સ્ટોલ દરિયામાં તણાઈ ગયા હતા જ્યારે ઉપરના ભાગના બધા સ્ટોલ તૂટી ગયા હતા.

મંદિરની દીવાલ ધસી

દરિયામાં મોજાં ઉછળવાને કારણે પોરબંદરના ભૂતેશ્વર મહાદેવ અને કાલભૈરવ મંદિરની દિવાલ તૂટી પડતાં મંદિરને નુકસાન થયું હતું. મોજાંની તીવ્રતા એટલી હતી કે મોટા મોટા પથ્થર પણ ઊડીને રસ્તા પર આવી ગયા હતા. પોરબંદરમાં ૬૦થી ૬૫ કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવનને કારણે જૂની એસપી કચેરીની છત પર લાગેલો જી-સ્વાન ટાવર તૂટી પડતા કનેક્ટિવિટી ખોરવાઈ હતી.

માંગરોળ – કેશોદ રસ્તે એક મોટું વૃક્ષ ધરાશાયી થતાં જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કરવો પડ્યો હતો. માંગરોળ અને માળિયા આજુબાજુના વિસ્તારોમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. પરિણામે ઠેર-ઠેર રસ્તાઓ બંધ થઇ ગયા હતા. દીવના દરિયામાં ૨૦ ફૂટથી વધુ મોજાં ઉછળીને રહેણાક વિસ્તારમાં પાણી આવી ગયાં હતાં. દીવમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા.

શિયાળબેટની પ્રસૂતાને રેસક્યુ કરાઈ

જાફરાબાદ નજીક આવેલા શિયાળબેટની પ્રસૂતા હંસાબહેન બાલધિયાને પ્રસવ પીડા ઊપડતાં ભારે પવન અને ઊંચા ઉછળતા દરિયાઈ મોજાં વચ્ચે કોસ્ટગાર્ડ, પીપાવાવ મરિન પોલીસ અને એનડીઆરએફની ટીમની મદદથી બોટ મારફતે કિનારે લવાઈ હતી. દરિયાકિનારે પહેલેથી જ તૈયાર રખાયેલી ૧૦૮ એમ્બુલન્સ સેવામાં પ્રસૂતાને હોસ્પિટલે લઈ જવાઈ હતી.

વાવાઝોડા છતાં શિપને દરિયામાં ધકેલી!

વાયુ વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારો અને બંદરો પર સરકાર દ્વારા સાવચેતીના પગલાં લેવાયા હતા અને બીજી તરફ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા ૩૨ ભારતીય ક્રૂ મેમ્બર્સ સહિતની શિપ દરિયામાં મોકલી દેવાતા વિવાદે જન્મ લીધો છે. મુંબઇની મર્કેટર લિ.ની ડ્રેજર શિપ ‘ઓમકારા’ની લાઇફ સેવિંગ સિસ્ટમ નિયમ પ્રમાણે નહોતી. આ ઉપરાંત જહાજનાં સિગ્નલ લેમ્પ અને મશિનરીઓ પણ ખોરવાયેલી હતી અને દરિયાઈ મુસાફરી માટે જહાજ અક્ષમ હતું. મર્કેન્ટાઇલ મરિન ડિપાર્ટમેન્ટ જામનગર દ્વારા આ જહાજને ડિટેન કરીને પોરબંદર રખાયું હતું. મહત્ત્વની વાત તો એ છે કે આ જહાજમાં લાઈફ સેવિંગના પુરતી સુવિધાઓ ન હોવા છતાં તેને દરિયામાં મોકલાયું હતું જેથી વિવાદ ઊભો થયો છે.

રૂ. ૨૫૦૦ કરોડનું નુક્સાન

કચ્છના વહીવટી તંત્રે મેરેથોન વર્કિંગ કરીને કુલ ૨૯૦૮૭ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. રાપર અને નખત્રાણા તાલુકાને બાદ કરતાં જિલ્લાના ૧૦માંથી ૮ તાલુકાના સંભવિત અસરગ્રસ્તોને આશ્રિત સ્થળે મુકાયા હતા. ૪૨ શાળા, ૬ શેલ્ટર હાઉસનો તેમાં સમાવેશ થતો હતો. ૧૯ મેડિકલ ટીમને પણ તૈનાત રખાઈ હતી. વાવાઝોડું કચ્છ તરફ ફંટાયા પછી કંડલા બંદર, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તથા ગાંધીધામ વિસ્તાર સહિતના ઔદ્યોગિક એકમો બંધ રહેવાના કારણે અંદાજે રૂ. ૨૫૦૦ કરોડનું નુકસાન થયું છે.

નવસારીમાં દરિયાના પાણી ઘૂસી ગયા

નવસારી જિલ્લાના બોરસી માછીવાડ ગામમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. લગભગ ૨૦ ફૂટ ઊંચા મોજાં ઊછળતાં સંરક્ષણ દીવાલને પાર કરી ગયા હતા. ઘરમાં દરિયાના પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

રાજ્યમાં એક ઇંચ જેટલો વરસાદ

વાયુ વાવાઝોડાના પગલે વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ૧૩મીએ પવનની ગતિ વધુ રહી હતી. વાદળછાયા વાતાવરણની વચ્ચે લગભગ તમામ વિસ્તારોમાં ઝાપટાંથી લઈને એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે આખો દિવસ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં પણ સાંજે જોરદાર ઝાપટું પડી ગયું હતું. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને જલાલપોરમાં લગભગ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે તાપી જિલ્લાના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.

કોસ્ટલ એરિયામાં એસટી બસો બંધ

વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયાકાંઠાના સ્થળે અવરજવરનો પ્રતિબંધ લગાવાયો હતો. ગુજરાત એસટી નિગમ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં બસ સેવા સ્થગિત કરી દેવાઈ હતી. સૌરાષ્ટ્રમાં ઘોઘાથી કચ્છના નારાયણ સરોવર સુધીના કોસ્ટલ લાઈનથી ૫૦ કિમી સુધીના વિસ્તારમાં એસટી બસનું સંચાલન સંપૂર્ણ ઠપ્પ હતું. આકસ્મિક સમયમાં બસનું સંચાલન સરળતાથી થઈ શકે તે માટે તમામ ડેપોમાં ડીઝલનો પૂરતો સ્ટોક રખાયો હતો.

મુખ્ય પ્રધાનનો સંદેશ

હવામાન ખાતાની આગાહીને ધ્યાને લેતાં ગુજરાત સરકારે ૧૧મી જૂનથી માઈક્રો એક્શન પ્લાન તૈયાર કર્યાં હતાં. એ પ્રમાણે ૨,૭૮,૪૫૬ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે જારી કરેલા અહેવાલમાં જણાવાયું હતું કે, ૧૦ જિલ્લાના ૭૫ તાલુકાના ૭૬૨ ગામ વાયુના કારણે અસરગ્રસ્ત થઈ શકે તેમ હોવાથી ૬૦ લાખ લોકોને અસર પહોંચવાની શક્યતા હોવાથી સાવચેતીના તમામ જરૂરી પગલાં લેવાયાં હતાં. જેથી વાવાઝોડું રાજ્યનાં દરિયાકાંઠાને સ્પર્શીને ફંટાયા છતાં જાનહાનિ ટાળી શકાઈ હતી. મુખ્યસચિવ ડો. જે એન સિંઘ, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર ઉપરાંત અન્ય વિભાગોના પણ સિનિયર ઓફિસરોની ઉપસ્થિતિમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હાશકારાની અનુભૂતિ વ્યક્ત કરી હતી. મુખ્ય પ્રધાને કુદરતી આપત્તિમાં પ્રજાના સહકાર બદલ લોકોનો આભાર માન્યો હતો.

વડા પ્રધાને બિશ્કેકથી જાણકારી મેળવી

રાજ્યમાં વાવાઝોડાની અસરની સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિશ્કેકમાં એસસીઓ સંમેલનમાં હતા. બિશ્કેક એરપોર્ટ પર ઉતરાણ સાથે જ મોદીએ વતન ગુજરાતની સ્થિતિ અને સાવચેતીના પગલાં અંગેની જાણકારી મેળવી હતી. તેમણે વાયુની વિપદા પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડા પ્રધાને ભારત સરકાર ગુજરાતની પ્રજાની પડખે છે એમ જણાવીને તમામ પ્રકારની સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી.

વાવાઝોડાની અસર તળે સૌરાષ્ટ્રમાં લગભગ ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ઝંઝાવાતી પવન અને દરિયો ગાંડોતૂર થવાના કારણે પોરબંદર અને વેરાવળમાં કિનારા પાસે નુકસાન થયું હતું. જ્યારે કિનારાથી અંદરના વિસ્તારમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થઈ ગયાં હતાં. જોકે તંત્ર પહેલેથી જ સાબદું હોવાથી તાત્કાલિક પગલાં લઈ શકાયાં હતા અને ગણતરીના સમયમાં વીજ પુરવઠો રાબેતા મુજબ કરાયો હતો. વેરાવળમાં કિનારે લાંગરેલી બોટને નુકસાન થવાની ચિંતામાં માછીમારો ૧૩મી જૂને આખો દિવસ બંદર પર જ રહ્યા હતા.

વાવાઝોડા માટે સાવચેતી રખાઈ હતી

• ૨,૭૮,૪૫૬ લોકોનું સ્થ‌ળાંતર કરાયું હતું

• ૨૨૮૧ હાઉસ ઓપન કરાયા હતા

• એનડીઆરએફની ૪૪ ટીમ, એસડીઆરએફની ૧૧ ટીમ તૈનાત રખાઈ હતી

• આર્મીની ૧૧ ટીમ, બીએસએફની ૨ ટીમ, એસઆરપીની ૧૩ ટીમ કાર્યરત હતી

• એરફોર્સના ૯ હેલિકોપ્ટર તૈયાર હતા

• ડિવોટરીંગ માટે પંપ, ઈલેક્ટ્રિક પંપ, ક્રેમ, ડંપર, જનરેટર સહિતના સાધનો તૈયાર હતાં

• અસરગ્રસ્તો માટે ૧૦ લાખ ફૂડ પેકેટ્સ હતાં

• માછીમારોની ૩૯૩ બોટ્સ તથા ૧૮૬૨ માછીમારોને દરિયામાંથી સલામત રીતે પાછા બોલાવાયા

• ૪૩ સેટેલાઈટ ફોન સ્થાપિત કરાયા હતા, મોબાઈલ ઓપરેટર્સને તૈયાર રખાયા હતા

• ૧૪ આઈએએસ ઓફિસર્સે કંટ્રોલ રૂમમાંથી સતત મોનિટરિંગ કર્યું હતું


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter