‘વિદેશોમાં ફસાયેલા વિધર્મીઓને છોડાવ્યા, એ અમારો રાષ્ટ્રવાદ’

Wednesday 06th December 2017 07:50 EST
 
 

ગાંધીનગર: યોગ, આયુર્વેદ, તથા એલોપથીના સમન્‍વયરૂપ ‘શ્રી જોગી સ્‍વામી SGVP હોલિસ્‍ટિક હોસ્‍પિટલ’ની ૩જી ડિસેમ્બર, રવિવારે વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ વિધિ થઈ હતી. આ પ્રસંગે સ્વામીનારાયણ સંતો અને હરિભક્તોને સંબોધતાં ખ્રિસ્તી સંપ્રદાયનો ઉલ્લેખ કર્યા વિના એસજીવીપી કેમ્પસમાં વડા પ્રધાને જણાવ્યું કે, એક ધાર્મિક વ્યક્તિએ રાષ્ટ્રપ્રેમીઓને કાઢવા માટે બહાર પાડેલો ફતવો આઘાતજનક છે. એમણે અમારી માનવતા અને રાષ્ટ્રભક્તિને લલકારી છે. વડા પ્રધાને એમની સરકાર દ્વારા વિદેશમાં આંતકમાં સપડાયેલા દેશના અને અન્ય દેશોના ખ્રિસ્તી સહિતના વિવિધ ધર્મીઓને સલામતી સાથે એમના ઘરે પાછાં મોકલ્યાં એના અનેક ઉદાહરણો છે. એ જ અમારાં રાષ્ટ્રવાદની સાબિતી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગાંધીનગરમાં આર્ક બિશપ થોમસ મેકવાને ચૂંટણી સંદર્ભે રાષ્ટ્રવાદીઓથી તથા સાંપ્રદાયિક તાકતોથી દેશને બચાવવા લોકોને અપીલ કરી હતી, જે સંદર્ભે ચૂંટણીપંચે એમને નોટિસ પાઠવી હતી. જેને નામ લીધા વગર નિશાન બનાવતાં મોદીએ કહ્યું કે, કેરળમાં બાઈબલ સાથે લઈને ઈસુનો પ્રચાર કરતા ફાધર ટોમને ૨૦૧૪માં અફઘાનિસ્તાનમાંથી આતંકીઓ ઉઠાવી ગયા હતા, તેમને શોધીને ૩ મહિના પહેલાં તેમનાં ઘરે પહોંચાડયા છે. બંગાળની જ્યુડિથ ડિસોઝાને અફઘાનમાં આતંકીઓ ઉઠાવી ગયા. એમની વતનવાપસી થઈ. કેરળની ઈસાઈ જર્સા ઈરાકમાં આતંકમાં સપડાઈ તેને ઘરે લાવવામાં સફળતા મળી. તામિલનાડુની પાંચ વ્યક્તિઓને શ્રીલંકામાં ફાંસીની સજા જાહેર થઈ હતી. શ્રીલંકા સરકારને સમજાવીને પાંચેયને અમારી સરકાર વતન લાવી. નેપાળના ભૂકંપમાં સપડાયેલા આપણા ૮૦ ટકા લોકોને બચાવાયાં. ભારતીયો સહિત દુનિયાના ૪૦ જેટલા દેશોના લોકોની યમનમાંથી સલામત રીતે વતન વાપસી કરાવાઈ. અત્યાર સુધીમાં દુનિયાની જેલોમાંથી આશરે ૩૧૫૮ ભારતીયોને છોડાવીને વતન લાવ્યા છીએ. આ બધું જ કોઈ ધર્મ, જાતિ, વાડાબંધીમાં ફસાયા વિના કર્યું છે, કરીએ છીએ અને કરતાં રહીશું. અમારી રાષ્ટ્રભક્તિ અને માનવતાને કારણે આ કામ શક્ય બન્યું છે. ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના હેતુથી અમારી સરકાર કામ
કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter