અમદાવાદઃ ગાંધીજીએ સ્વહસ્તે ગુજરાતીમાં લખેલી હસ્તપ્રતો તેમના હસ્તાક્ષરમાં જ પ્રકાશિત થઇ હોય તેવું એક માત્ર પુસ્તક ‘હિંદ સ્વરાજ’ હવે વિવિધ આવૃત્તિઓમાં પ્રકાશિત થયું છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં આ આવૃત્તિઓનું વિમોચન કરાયું હતું. આ ઉપરાંત નવજીવન ટ્રસ્ટે જણાવ્યું છે કે, આગામી ગાંધીજયંતીએ ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ પણ ચિત્રસ્વરૂપે લોન્ચ થશે.
નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઇએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૦૯માં દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલના હિંદીઓના પ્રશ્નો લઇને બે પ્રતિનિધિઓ બ્રિટિશ અધિકારીઓ સાથે વાટાઘાટ કરવા ગયા હતા. એમાંના ગાંધીજી એક હતા. ત્યારે લંડનથી ફરી આફ્રિકા જતાં દસ દિવસની જહાજની મુસાફરી દરમિયાન ૩૭ વર્ષના ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ પુસ્તક લખ્યું હતું.
કોઈ પુસ્તક તેમના હસ્તાક્ષરમાં જ છપાયું હોય અને તેનો સમગ્ર અંગ્રેજી અનુવાદ પણ ગાંધીજીએ જ કર્યો હોય એવું આ એકમાત્ર પુસ્તક છે.


