‘સરદારની ઇચ્છા વિરુદ્ધ નેહરુજીએ કાશ્મીરનું વિભાજન કર્યું’

Wednesday 05th November 2025 04:49 EST
 
 

કેવડિયા કોલોનીઃ સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસરે એકતાનગરમાં યોજાયેલા શાનદાર સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આકરા ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલ તો સમગ્ર કાશ્મીર ઈચ્છતા હતા, પરંતુ નહેરુજીએ એમ થવા દીધું નહીં, કાશ્મીરનું વિભાજન કર્યું તેનું પરિણામ દેશ અને કાશ્મીરે વર્ષોસુધી ભોગવ્યું છે.
ઇતિહાસ લખવામાં સમય ના બગાડો, ઈતિહાસ રચવામાં મહેનત કરો... ભારતની એકતાને નબળી બનાવે તેવી તમામ બાબતોથી દૂર રહેવું એ જ રાષ્ટ્રીય કર્તવ્ય છે એમ કહીને વડાપ્રધાને કહ્યું હતું કે સમગ્ર કાશ્મીરને ભારતમાં ભેળવવાની મંજૂરી સરદાર પટેલને નહીં આપીને જવાહરલાલ નેહરુએ મોટી ભૂલ કરી હતી. તેમણે નેહરુની ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસનો આ કરોડરજ્જુવિહીન અભિગમ હતો. પરિણામે દેશે લાંબા સમય સુધી કાશ્મીર, ઈશાન રાજ્યો અને નકસલ-માઓવાદી ત્રાસવાદનો સામનો કરવો પડ્યો.
સરદાર પટેલ અન્ય રાજ્યોની જેમ સમગ્ર કાશ્મીરને એક રાખવા માગતા હતા, પરંતુ નહેરુજીએ તેમની એ ઈચ્છા પૂરી થવા દીધી નહીં. કાશ્મીરનું વિભાજન કર્યું. તેનું અલગ બંધારણ કર્યું. તેને અલગ ધ્વજ આપ્યો અને કોંગ્રેસની આ ભૂલને કારણે દેશને વર્ષો સુધી સહન કરવું પડ્યું. સરદાર પટેલની 150મી જન્મજયંતીનો ઐતિહાસિક અવસર અને એકતાનગરની દિવ્ય સવારે સરદાર સાહેબના ચરણોમાં આપણા સૌની ઉપસ્થિતિ આપણે સૌને મહાન ક્ષણના સાક્ષી બનાવે છે. નવા ભારતની આ સંકલ્પ શક્તિનો આપણે સાક્ષાત અનુભવ કરી રહ્યા છીએ.
કોંગ્રેસ હંમેશા આતંકવાદ સામે નતમસ્તક
સરદાર સાહેબ ઇચ્છતા હતા કે બાકી રજવાડાઓની જેમ સંપૂર્ણ કાશ્મીમર પણ ભારતમાં ભળી જાય પરંતુ નહેરુજીએ તેની એ ઇચ્છા પુરી થવા દીધી નહી. કાશ્મીર ઉપર કોંગ્રેસે જે ભુલ કરી તેની આગમાં દેશ દસકાઓ સુધી સળગતો રહ્યો અને કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના અનધિકૃત કબ્જામાં જતો રહ્યો. પાકિસ્તાન આતંકવાદની આગને હવા આપતુ રહ્યું જેના પગલે કાશ્મીર અને દેશે આટલી મોટી કિંમત ચૂકવવી પડી છે.
વિદેશી ઘૂસણખોરો દેશની એકતા - સુરક્ષા માટે ખતરો
વડાપ્રધાને દેશ માટે ગંભીર ખતરાની ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે આજે દેશની એકતા અને આંતરિક સુરક્ષાને બહુ મોટો ખતરો ઘુસણખોરોથી છે.
દેશમાં દાયકાઓથી વિદેશી ઘૂસણખોરો આવતા રહ્યા છે. આ ઘૂસણખોરોએ દેશના સંશાધનો ઉપર કબજો કર્યો. ડેમોગ્રાફી સંતુલન બગાડયું અને દેશની એકતા દાવ ઉપર લગાડી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે અગાઉની સરકાર આટલી મોટી સમસ્યા સામે આંખ બંધ કરીને બેસી રહી. વોટબેંકની રાજનીતિ માટે દેશની સુરક્ષા જાણી જોઇને ખતરામાં મૂકી. હવે દેશે પ્રથમ વખત આ મોટા ખતરા સામે નિર્ણાયક લડાઇ લડવાનો નિશ્ચય કર્યો છે.
પ્રજાસત્તાક પર્વ જેવી પરેડ
લોહપુરુષની 150મી જન્મજયંતી દિને અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સૌથી ધ્યાનાકર્ષક કાર્યક્રમ એકતા પરેડનો હતો. વડાપ્રધાને પ્રજાસત્તાક દિન જેવી શાનદાર પરેડની સલામી ઝીલી હતી. આ પરેડમાં વિવિધ રાજ્યોના વિકાસ ટેબ્લો, ‘વૈવિધ્યતામાં એકતા’ થીમ આધારિત ટેબ્લો જોવા મળ્યા હતા. ઉપરાંત, બીએસએફ, સીઆરપીએફ, આઇટીબીપી અને એસએસબી સહિત વિવિધ રાજ્યોના પોલીસ દળ પરેડમાં સામેલ થયા હતા.
બીએસએફ દ્વારા ઉછેરાયેલા ભારતીય વંશના વિશેષ ડોગ્સ રામપુર હોઉડ્સ અને મુધોલ હોઉડ્સ, ગુજરાત પોલીસના અશ્વદળ, આસામ પોલીસના મોટરસાયકલ ડેરડેવિલ્સ શો તેમજ બીએસએફની કેમલ કોન્ટીજન્ટ અને કેમલ માઉન્ટેડ બેંડ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બીએસએફે ઓપરેશન સિંદૂર અંગે ખાસ પ્રસ્તુતિ રજૂ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter