અમદાવાદઃ ‘હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે મારા જેવા પાર્ટી કાર્યકર્તાને ગુજરાતના મુખ્યમંત્રી પદની મહત્ત્વની જવાબદારી સોંપી હતી. મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન જવાબદારી નિભાવતા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું.’ વિજય રુપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સુપ્રત કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં ગુજરાતે સમગ્ર વિકાસ તથા સર્જન કલ્યાણના પથ પર આગળ વધીને નવી ઊંચાઈઓને આંબી છે. ગુજરાતના વિકાસની આ યાત્રામાં ગત પાંચવર્ષોમાં મને પણ યોગદાન કરવાનો જે અવસર મળ્યો , તેના માટે માનનીય પ્રધાનમંત્રીજીનો આભાર વ્યક્ત કરું છું. તેમણે ઉમેર્યું હતું કે મારું માનવું છું કે હવે ગુજરાતની આ વિકાસયાત્રા પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં એક નવા ઉત્સાહ અને નવી ઊર્જા સાથે નવા નેતૃત્વમાં આગળ વધવી જોઈએ. આ ધ્યાનમાં રાખીને હું ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી રાજીનામું આપું છું. સંગઠન અને વિચારધારા આધારિત પક્ષ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા છે કે, સમયની સાથે સાથે કાર્યકર્તાઓ’ની જવાબદારી પણ બદલતી રહે છે. આ અમારી પાર્ટીની વિશેષતા છે કે, જે જવાબદારી પાર્ટી દ્વારા આપવામાં આવે છે, પુરી નિષ્ઠા સાથે પાર્ટીના કાર્યકર્તાઓ તેને નિભાવે છે.
વિજય રુપાણીએ સ્પષ્ટ કર્યું હતું કે મુખ્યમંત્રી રૂપે મળેલી જવાબદારી નિભાવ્યા બાદ મેં રાજીનામું આપીને પાર્ટીના સંગઠનમાં નવી ઊર્જા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે મને પાર્ટી દ્વરા જે પણ જવાબદારી સોંપવામાં આવશે તેમાં હું પુરી જવાબદારી સાથે અને નવી ઊર્જા સાથે પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં તેમજ માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષજીના માર્ગદર્શનમાં કામ કરીશ.
હું ગુજરાતની જનતાનો આભાર માનું છું કે વિતેલા પાંચ વર્ષોમાં પેટા ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, પાર્ટી અને સરકારને ગુજરાતની જનતાનું અભૂતપૂર્વ સમર્થન, સહયોગ અને વિશ્વાસ મળ્યો છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીની તાકાત પણ બન્યો છે અને મારા માટે સતત જનહિતમાં કામ કરતા રહેવાની ઊર્જા પણ બન્યો છે.
અમારી સરકારે પ્રશાસન ચાર આધારભૂત સિદ્ધાંત પારદર્શિતા, વિકાસશીલતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતા આધાર પર જનતાની સેવા કરવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. આ કાર્યમાં મંત્રીમંડળના તમામ સભ્યો, વિધાનસભાના તમામ સભ્યો, પાર્ટીના કાર્યકર્તાઓ અને જનતાનો સંપૂર્મ સહકાર મળ્યો છે. હું આ સહકાર માટે તમામનો આભાર વ્યક્ત કરું છું.
કોરોનાના કઠિન સમયમાં અમારી સરકારે દિવસ-રાત અથાગ મહેનત કરીને ગુજરાતની જનતાને યથાસંભવ સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કર્યો છે. સાથોસાથ રસીકરણના કામમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે અે આમાંઅમે ઘણા નવા કિર્તીમાન સ્થાપ્યા છે. જેનો મને ખૂબ જ સંતોષ છે.


