અમદાવાદઃ ઇશરત જહાં સહિત ૪ જણાના કથિત એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારી વણઝારા અને અમીનને બિનતહોમત છોડવા કે નહીં તે અંગેનો ચુકાદો સીબીઆઇ જજ જે. કે. પંડ્યા ૪ ઓગસ્ટના રોજ જાહેર કરશે. મુંબઇની ૧૯ વર્ષીય ઇશરત, પ્રણેશ પિલ્લાઇ, પાકિસ્તાની નાગરિક અમજદ અલી રાણા અને જિશાન જોહરનું ક્રાઇમ બ્રાન્ચે ૧૫ જૂન ૨૦૦૪ના રોજ એન્કાઉન્ટર કર્યું હતું. આ કેસમાં ડી. જી. વણઝારા અને એન. કે. અમીને પોતે નિર્દોષ હોઇ બિનતહોમત છોડી મૂકવા અરજી કરી હતી. ઇશરતની માતા શમીમા કૌશરે આ અરજીનો વિરોધ કરતી અરજીમાં જણાવ્યું હતું કે, મારી દીકરી નિર્દોષ હતી. કૌશરે વણઝારા અને અમીન સામે અપહરણ અને કાવતરાથી હત્યાનો આરોપ મૂકતાં જણાવ્યું કે તેમની સામે પૂરતા પુરાવા છે તેથી બિનતહોમત છોડવા ન જોઇએ.
વણઝારા અને અમીનના વકીલની દલીલ હતી કે, પાકિસ્તાન અમેરિકન આતંકી ડેવિડ કોલમેન હેડલીની તપાસના રિપોર્ટમાં પ્રણેશ, ઇશરત, અમજદઅલી અને જિશાન જોહર ગુજરાતમાં હુમલો કરવાના હતા. આથી ઇશરત નિર્દોષ ના કહેવાય. જ્યારે અમીનના મોબાઇલ ફોન લોકેશન મુજબ તેઓ બનાવના સ્થળે હાજર જ નહોતા.

