વહેલાલ-ઝાંકજીઆઈડીસીમાં આવેલી રિયા ઈન્ડસ્ટ્રીઝના શેડમાંથી મળેલા ૨૭૦ કરોડના એફેડ્રીન ડ્રગ્સ કેસના મુખ્ય સૂત્રધાર અને નવ મહિનાથી વોન્ટેડ કિશોરસિંહ રાઠોડને રાજસ્થાનના કોટા પાસે આવેલા બારા ગામના રેલવે સ્ટેશનની બહારથી ગુજરાત એટીએસએ રવિવારે ઝડપી લીધો હતો. એટીએસએ એપ્રિલ મહિનામાં પાડેલી રેડ બાદ કિશોર સૌરાષ્ટ્ર, દિલ્હી, આગ્રા અને છેલ્લા મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં સંતાયેલો હતો. વિકી ગૌસ્વામી અને અંડરવર્લ્ડની સહાયથી કિશોર રાઠોડ છેલ્લા ત્રણ મહિનાથી મુરૈના જિલ્લાના અલગ અલગ ગામોમાં રહેતો હતો. જેના માટે કિશોરે માથે મૂંડન કરાવ્યું હતું.
• અલ્પેશ ઠાકોરે વાઇબ્રન્ટ સમિટનો વિરોધ પડતો મૂક્યોઃ ક્ષત્રિય ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતનો વિરોધ કરવાનો કાર્યક્રમ રદ કરાયો હતો. સેના અને મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય પ્રધાનના ચીફ પ્રિન્સપાલ સેક્રેટરી કે. કૈલાશનાથન સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં પ્રદીપસિંહ જાડેજાએ વચન આપ્યું છે કે મુખ્ય પ્રધાને રાજ્યના યુવાનોને સ્થાનિક ઉદ્યોગમાં ૮૫ ટકા રોજગારી મળે તે માટે વિચાર કર્યો છે. ઠાકોરે જણાવ્યું કે, સરકાર દ્વારા કાયદાના ચુસ્ત અમલીકરણની ખાતરી આપતાં વાઇબ્રન્ટનો વિરોધ કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
• અમદાવાદ મહાપાલિકાનું રૂ. ૬૧૦૧ કરોડનું બજેટઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ. ૬૧૦૧ કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર મ્યુનિ.કમિશનર મુકેશકુમારે આઠમીએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું. પ્રોપર્ટી ટેક્સ સહિતના કોઈ પણ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો નથી. વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાના કારણે અમદાવાદીઓ પર કરબોજ નાખવાનું ટાળવામાં આવ્યું છે, પણ બજેટ નીરસ હોવાનું જણાઈ રહ્યું છે. કોઈ પણ મોટા પ્રોજેક્ટ કે જાહેરાતો બજેટમાં કરવામાં આવી નથી. કમિશનર મુકેશકુમારનું કહેવું છે કે, બજેટ ઈન્ક્લુસિવ છે અર્થાત્ આમાં ગરીબથી માંડીને ધનિક વર્ગને અસર કરતી માળખાકીય સુવિધાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

