વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી એ પછીના ગાળામાં ટપાલ કચેરીના જુદા જુદા ખાતાઓમાં રદ થયેલી નોટ ફરતી કરી દેવાના કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન-સીબીઆઈના અધિકારીઓએ પોસ્ટલ સર્વિસ ડિરેક્ટર મનોજકુમાર અને સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ સંજય અખાડેની વીસમીએ ધરપકડ કરી છે. બંનેના ત્રણ દિવસ માટેના પૂછપરછના રિમાન્ડ લેવાયાં છે.
• જિજ્ઞેશ ભજિયાવાલા સામે ૩૦૦ પાનાંની ચાર્જશીટઃ નોટબંધી બાદ જૂની ચલણી નોટોને નવી ચલણી નોટોમાં ફેરબદલ કરનારા અને જેલવાસ ભોગવી રહેલા કિશોર ભજિયાવાલાના પુત્ર જિજ્ઞેશની પણ ઇડીએ તપાસ પૂરી છે. ઈડીએ જિજ્ઞેશ કેસમાં ૩૦૦ પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. ચાર્જશીટમાં છે કે, નોટબંધીમાં જિજ્ઞેશે ૩૦૦ લોકોને જૂની ચલણી નોટ બદલીને નવી ચલણી નોટો લેવા માટે બેન્કોની લાઈનમાં ઉભા રાખ્યા હતા. આ અંગે સમર્થન આપતાં સંખ્યાબંધ નિવેદનો ઇડીએ નોંધ્યા છે. જિજ્ઞેશ સામે આરોપો સાબિત થશે તો તેને સાત વર્ષની કેદ થવાની વકી છે.
• ૨૦૧૬માં ૩ હિન્દુ, ૧ મુસ્લિમની ધર્મપરિવર્તન માટે મંજૂરીની માગઃ વિરમગામના કોંગ્રેસી ધારાસભ્ય ડો. તેજશ્રીબહેન પટેલે વિધાનસભા ગૃહમાં પૂછેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકાર સમક્ષ માહિતી રજૂ કરી હતી કે, અમદાવાદમાં વર્ષ ૨૦૧૫માં ૪ મુસ્લિમ અને વર્ષ ૨૦૧૬માં ૩ હિન્દુ અને એક મુસ્લિમે ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૬ દરમિયાન ૩ હિન્દુઓનાં ધર્મ પરિવર્તન માટે સરકારને અરજી મળવા પામી હતી. આ ઉપરાંત અન્ય કોઈ પણ ધર્મના લોકો દ્વારા ધર્મપરિવર્તન માટે અરજી કરાઈ નથી. જોકે સરકાર દ્વારા કોઈ પણ વ્યક્તિને મંજૂરી આપવામાં આવી નથી. તેવું તેમણે જણાવ્યું હતું.

