વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૨મી ઓક્ટોબરે એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડોદરામાં દિવ્યાંગોને સાધન સામગ્રી આપવાના કાર્યક્રમમાં હાજર રહેશે તેમજ આ દિવસે જ અમદાવાદમાં કબડ્ડી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાવાની છે તેમાં હાજરી આપશે. વડા પ્રધાન કબડ્ડીની મેચ જોશે એવું કોર કમિટીની બેઠકમાં રાજ્યના ડેપ્યુટી મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. આ સિવાય સંગઠન અને સરકારની કામગીરીની વિવિધ ચર્ચા બેઠકમાં થઈ હતી. સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું બેઠકમાં નક્કી કરાયું છે. બેઠકમાં આગામી સમયમાં સરકાર- સંગઠનના યોજાનારા કાર્યક્રમો અંગે પણ લાંબી ચર્ચા- વિચારણા થઈ હતી.
• IRCTCનો માત્ર ૧ પૈસામાંઃ રૂ. ૧૦ લાખનો વીમોઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ૧ સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા વૈકલ્પિક યાત્રા વીમા યોજનાને પેસેન્જરો તરફથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. તેનાથી પ્રોત્સાહિત થઈ વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લે તે માટે આઇઆરસીટીસી દ્વારા ચાલુ પીક સિઝનમાં ૩૧ ઓક્ટોબર સુધી ઓનલાઇન ટિકિટની બુકિંગ કરાવનાર તમામ પેસેન્જરોને ૯૨ પૈસાના બદલે માત્ર ૧ પૈસામાં જ ૧૦ લાખ રૂપિયાના વીમાનો લાભ આપવાની જાહેરાત કરાઈ છે.
• કેજરીવાલ મૃત પાટીદારોના પરિવારોને મળશેઃ આગામી ૧૬મી ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતમાં જાહેરસભા સંબોધશે, પરંતુ કેજરીવાલે પોતાના પ્રવાસમાં ફેરફાર કરીને એક દિવસ વહેલા આવવાનો નિર્ણય કર્યો હોવાનું પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું છે. હવે કેજરીવાલ ૧૫ ઓક્ટોબરના રોજ અમદાવાદ આવશે. અમદાવાદમાં તેમજ મહેસાણામાં પોલીસ દમનમાં માર્યા ગયેલા પાટીદારોના પરિવારોની મુલાકાત કરશે. ત્યાર બાદ ઉંઝા ખાતે આવેલા ઉમિયા માતાના મંદિરને જઈને દર્શન કરશે. યાદવે વધુ માહિતિ આપતાં જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી પૂર્વે કેજરીવાલની પ્રથમ જાહેરસભા સુરત ખાતે થવા જઈ રહી છે.

